અમદાવાદ: બોલીવુડની સફળ ફિલ્મો ગેંગ ઓફ વાસેપુર અને ફુકરે ફેઇમ જાણીતી અભિનેત્રી રીચા ચઢ્ઢા ગુજરાતની મુલાકાતે આવી હતી તે દરમ્યાન તેણે કેટલીક રસપ્રદ ખાસ કરીને તેના ગુજરાત કનેકશન સહિતની વાતો કરી હતી. બોલ્ડ અને બેબાક બોલ માટે જાણીતી રીચા ચઢ્ઢાએ જણાવ્યું કે, તેનો ગુજરાત સાથે જૂનો સંબંધ છે. કારણ કે તેના બે મામા અનુક્રમે ભુજ અને અમદાવાદમાં રહે છે, તેથી બાળપણનો કેટલોક સમય તેણે અમદાવાદ અને ગુજરાતમાં વીતાવ્યો હતો.
બોલીવુડમાં મી ટુ ઝુંબેશને લઇ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવેલી અભિનેત્રીઓ અને મહિલાઓના હિંમતભર્યા પ્રયાસને રીચા ચઢ્ઢાએ આવકાર્યો હતો. સાથે સાથે તેણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આજના સમયમાં યુવતીઓ કે મહિલાઓની સલામતી બહુ જરૂરી છે. ખાસ કરીને વર્ક પ્લેસ પર યુવતીઓ-મહિલાઓની સલામતી સૌથી અનિવાર્ય છે. અન્યથા આપણે વિકાસ કે પ્રગતિ કેવી રીતે કરી શકીશું. રીચાએ ઉમેર્યું કે, મી ટુ માં બહાર આવેલા નામોમાં જે કોઇ કસૂરવાર હોય તેઓની સામે કાયદાનુસાર કાર્યવાહી થવી જાઇએ. મી ટુ ઝુંબેશને બોલીવુડમાંથી સજ્જડ પ્રતિસાદ મળ્યો તે વાતને લઇ તેણે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.
પોતાના બોલ્ડ રોલની ઓફરને લઇ પૂછાયેલા પ્રશ્નને લઇ રીચા ચઢ્ઢાએ જણાવ્યું કે, ગેંગ ઓફ વાસેપુરમાં કરેલો રોલ વખણાયા બાદ તે પ્રકારના રોલ તેને વધુ ઓફર થાય છે. ફુકરેમાં પણ તેનું કામ બહુ વખણાયું. ફુકરેની સફળતા બાદ હવે ફુકરે પાર્ટ -૩ પણ બનશે. ગુજરાત અને ગુજરાતી ભાષા અંગે તેણીએ જણાવ્યું કે, તે ગુજરાતી સમજી શકે છે પરંતુ ગુજરાતી બોલવામાં તકલીફ અનુભવે છે. ટૂટી ફુટી ગુજરાતી બોલવાનો પ્રયાસ કરતાં રીચાએ જણાવ્યું કે,પીવાનું પાણી કયાં મળશે. બહુ સરસ છે ગુજરાત. ગાંધીનગર બહુ ગ્રીન છે, બહુ સુંદર છે. હું પછી આવીશ. ગુજરાતની ખમણ, પાત્રા, ઢોકળાની વાનગીઓ પસંદ હોવાનું જણાવતાં રીચાએ કહ્યું કે, તેને સૌથી વધુ પોંક ભાવ્યો છે, તેની લુત્ફ તેણે માણી. મહિલાઓ વિશે ભારત સરકારના પ્રયાસો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રીચા ચઢ્ઢાએ ઉમેર્યું કે, સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ સહિતની ઝુંબેશ ઘણી મહત્વની અને અસરકારક રહી હોય તેમ હું માનું છું. રીચાએ અન્ય યુવતીઓને પણ ખાસ સંદેશો આપતાં જણાવ્યું કે, હું મધ્યમવર્ગની છોકરી છું, ઓડિશન આપી આપીને આગળ આવી છું. બહુ મહેનત કરી આગળ આવી છું. જા તમારામાં મહેનત, ટેલેન્ટ, ધીરજ છે તો તમે પણ મારી જેમ સફળતા પામી શકશો. તેણીએ અંતમાં જણાવ્યું કે, હું ગુજરાતીઓને બહુ પ્રેમ કરું છુ. સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપવા પણ તેણે લોકોને અનુરોધ કર્યો હતો.