રીવાબા કરણી સેના મહિલા પાંખના અધ્યક્ષ ઘોષિત થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ:  દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રીવાબાએ મહિલાઓના ઉત્કર્ષ અને સમાજસેવાના કાર્યોમાં મહત્તમ યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી. રીવાબાએ મીટુ કેમ્પેઇનને પણ સમર્થન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે. રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી.

રીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ ગત તા.૭ જુનની રાત્રે ૧.૧૬ વાગે નિધ્યાનાબાને ર્સ્ટલિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેમનો નેચર ડાઉન ટુ અર્થ છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. હાલ તેમનો પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો બની રહ્યો છે. હરદેવસિંહને સંતાનમાં રીવાબા એક માત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે. રીવાબાની કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષની નિયુકિત બાદ રાજપૂત સમાજની મહિલાઓમાં પણ ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

Share This Article