અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ- ૧૨ સાયન્સની સેમેસ્ટર પદ્ધતિની પરીક્ષાનું પરિણામ તા. ૯ મેના રોજ જાહેર કરવામાં આવશે. સવારે ૯-૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી પર પણ આ પરિણામ મુકવામાં આવશે એમ બોર્ડના નાયબ નિયામક(પરીક્ષા) મહેશ મહેતાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર અને ગુજકેટની પરીક્ષાની માર્કશીટ જે તે જિલ્લાના નિયત કરેલા સ્થળો પરથી તા.૯મે ૨૦૧૯ના રોજ સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા દરમિયાન મળશે.
શાળાના આચાર્યોએ શાળાનું પરિણામ મુખત્યારપત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે. ગુજરાત બોર્ડ સિવાય અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ બાય પોસ્ટ મોકલવામાં આવશે. બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સની સેમેસ્ટર પધ્ધતિની પરીક્ષાનું પરિણામ તા.૯મી મેએ જાહેર કરવાની કરાયેલી જાહેરાતને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સુકતા અને ઉત્તેજના છવાયા છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ ૧૦ની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ૧૯મી માર્ચના દિવસે મોટાભાગની પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તરવહીઓની ચકાસણી પ્રક્રિયા ચાલી રહી હતી.
પરિણામને લઇને વિદ્યાર્થીઓ ભારે ઉત્સુક બનેલા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ૯મી મેના દિવસે પરિણામ જાહેર કરવાની વાત કરી છે. મે મહિના અંતિમ સપ્તાહમાં જ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. ઉત્તરવહીઓની ચકાસણીની પ્રક્રિયા લગભગ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે.