અમદાવાદ : મહેસાણામાં મંજૂરી વગર કાઢવામા આવેલી આઝાદી કૂચના ચકચારભર્યા કેસમાં પૂર્વ પાસ અગ્રણી રેશમા પટેલની અદાલત સમક્ષ વાંરવારની ગેરહાજરીને લઇ મહેસાણા કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી અને આ કેસમાં આખરે કોર્ટે આજે પૂર્વ પાસ અગ્રણી અને એનસીપી નેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ જારી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેસાણામાં આઝાદી કૂચના નામે વિશાળ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે અંગેની કોઇ સત્તાવાર કે પોલીસની મંજૂરી લેવામાં આવી ન હતી જેના કારણે રેશમા પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કુલ ૧૨ જણાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં જીજ્ઞેશ પણ આરોપી છે. જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો દ્વારા આ આઝાદી કૂચ કાઢવામાં આવી હતી.
મંજૂરી વગર રેલી કાઢવામાં આવતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની મુદત દરમ્યાન રેશમા પટેલ વાંરવાર ગેરહાજર રહેતાં કોર્ટે આજે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને આજે મહેસાણા કોર્ટે પાસના પૂર્વ અગ્રણી રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતુ અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.