દેશની દરેક બૅન્કોને બિટકોઈન જેવા વર્ચ્યુઅલ ચલણને ડિપોઝિટ કરવા માટેના ખાતાએ ન ખોલવાની, તેમાં ટ્રેડિંગ કરવાની સુવિધાઓ ન આપવાની, બિટકોઈનના વ્યવહારોના ક્લિયરિંગની સુવિધા પૂરી ન પાડવાની કડક સૂચના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક પરિપત્ર કરીને આપી છે.
આ પ્રકારના ખાતાઓ કોઈપણ બૅન્કે કે નાણાં સંસ્થાઓએ ખોલી આપ્યા હોય તો તેમણે આ ખાતાઓ આગામી ૯૦ દિવસમાં બંધ કરી દેવાના રહેશે તેવી સૂચના રિઝર્વ બૅન્કે ૬ એપ્રિલના તેના પરિપત્રના માધ્યમથી આપી છે. બૅન્કોમાં વર્ચ્યુઅલ કરન્સીના ખાતાઓ ખોલાવવા માટે ઘણાં લોકો બૅન્કોનો એપ્રોચ કરતાં હોવાનું અમદાવાદના બૅન્કર્સનું કહેવું છે. તેથી જ આ ચેતવણી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
બિટ કોઈનને ક્રિપ્ટો કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના ઘણાં દેશોમાં તેના થકી વહેવાર કરવામાં આવી રહ્યા છે. આ કરન્સી ફિઝિકલ સ્વરૂપમાં નથી. ઇલેક્ટ્રોનિક કરન્સી જ છે. ફોરેક્સના બજારમાં તેના વહેવારો થાય છે. પરંતુ ભારત સરકારે આ કરન્સીમાં થતાં વહેવારો માન્ય ગણ્યા નથી. તેથી ભારતની કોઈપણ બૅન્ક કે નાણાં સંસ્થા તેમાં વહેવાર કરે તેવું ભારત સરકાર ઇચ્છતી જ નથી. ફોરેક્સના બજારમાં તેના ખાસ્સો વહેવારો થાય છે. તેનાથી મની લોન્ડરિંગ એટલે કે બિનહિસાબી નાણાંના હિસાબી નાણાંમાં રૂપાંતરિત કરવાનું કૌભાંડ પણ થવાની શક્યતા જોવાઈ રહી છે. તેનાથી ટેરરિસ્ટ એક્ટિવિટીને ફંડિંગ પણ થઈ જવાની સંભાવના રહેલી છે. આ તમામ કારણોને લઈને રિઝર્વ બૅન્ક દ્વારા તેના ખાતાઓ ન ખોલી આપવાની સૂચના આપતો પરિપત્ર ૬ એપ્રિલે કરવામાં આવ્યો છે.