મણિનગર અને ઈસનપુરમાં બસમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ પાણીમાં ફસાઈ હતી. લોકો બસમાંથી બહાર આવી શકે તેમ ન હતા. ફાયરબ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઇસનપુર ચાર રસ્તા પાસે પણ ખાનગી લકઝરી બસ ફસાઈ હતી. બસ આખી પેસેન્જરોથી ભરેલી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના વાહનો ઉપર બેસાડી અને મણીનગર ફાયર સ્ટેશન સહી સલામત લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ વહેલી સવારે અલગ-અલગ વિસ્તારમાં પોતાની રીતે પરત ગયા હતા.

આ ઉપરાંત ફાયર બ્રિગેડને શહેરમાં ઝાડ પડવાના, દિવાલ પડવાના તેમજ થાંભલા પડવાના કોલ પણ મળ્યા હતા. બોડકદેવ વિસ્તારમાં એક ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાંથી પાણી અન્ય ફ્લેટના બેઝમેન્ટમાં જતું હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને સ્થાનિક રહીશોને પંપ આપી અને ભોંયરામાંથી પાણી બહાર કાઢવામાં મદદ કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ઝાડ પડવાના બનાવો બન્યા છે દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી.અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

પાણી ભરાવવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા અને લોકો પાણીમાં ફસાયા હતા. અમદાવાદ ફાયરબ્રિગેડને વાહનો અને પાણીમાં ફસાયેલા લોકોના કોલ મળ્યા હતા. શહેરના મણિનગર, ઇસનપુર, પાલડી, વાસણા, એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં આ રીતે લોકો પાણીમાં ફસાયા હોવાના મેસેજ મળતા ફાયરબ્રિગેડની ટીમ રવાના કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાંથી અંદાજે ૧૦૦ જેટલા લોકોને પાણીમાંથી ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા.

Share This Article