કેન્દ્ર સરકાર દ્વારા રીઅલ એસ્ટેટ એકટ-૨૦૧૬ કાયદો અમલી બનાવ્યો છે. રાજ્યમાં ૧લી મે-૨૦૧૭થી આ કાયદો અમલી બનાવીને ગુજરાત રીઅલ એસ્ટેટ ઓથોરીટીની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બિલ્ડરો અને પ્રમોટરોના સહકારથી રાજ્યના ૩૦૦૦ રીઅલ એસ્ટેટ પ્રોજકેટનું તેમજ ૬૦૦ જેટલા એજન્ટોનું પણ રજિસ્ટ્રેશન થયું છે, એમ ગુજરાત રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીના સેક્રેટરી દ્વારા જણાવાયું છે.
કયા પ્રોજ્કેટનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાતઃ
રેરા કાયદા હેઠળ રાજ્યના પ્લાનીંગ વિસ્તારમાં આવેલ તથા ૫૦૦ ચો.મી.થી વધુ જગ્યા અથવા ૮ થી વધુ યુનિટ વાળા તમામ પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રેરા રજિસ્ટ્રેશન વિના પ્રોજેકટનું વેચાણ-બુકીંગ કે માર્કેટીંગ કાયદા અન્વયે પ્રતિબંધિત છે. રજિસ્ટ્રેશનને પાત્ર હોય તેવા તમામ પ્રોજેકટ માટે રેરા કચેરી ખાતે રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય તો સત્વરે નોંધણી કરાવી લેવા તમામ બિલ્ડર-પ્રમોટર તથા ડેવલપર્સને ઓથોરીટી દ્વારા તાકીદ કરાઇ છે. છેલ્લા છ માસમાં વિવિધ પ્રોજેકટ સંદર્ભે મકાનમાં એલોટી દ્વારા કરવામાં આવતી ફરિયાદો અન્વયે ત્વરિત સુનાવણી કરીને કેસો ચલાવાયા હતા અને ફરિયાદોનો નિકાલ કરી કાયદાકીય કામગીરી કરી ગંભીર કિસ્સાઓમાં આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુલાઇ મહિનાથી ઓન લાઇન વેબ સાઇટ ચાલુ થઇ ગઇ છે. રીઅલ એસ્ટેટ પ્રોજેકટ તથા એજન્ટોની ઓન લાઇન નોંધણી તથા ફરિયાદ માટે ઓન લાઇન અરજી કરવા સંદર્ભે વિવિધ બિલ્ડર્સ-પ્રમોટર્સ અને વિષય નિષ્ણાતોના પરામર્શમાં પ્રોજેકટ રજિસ્ટ્રેશન અંગે જોગવાઇ નક્કી કરી ઓન લાઇન વેબ પોર્ટલ પણ કાર્યાન્વિત કરાયું છે. આ પોર્ટલમાં ગુજરાત રાજ્ય સિવાય ગમે તે સ્થળેથી પણ નિયત ધારા ધોરણ વાળા પ્રોજેકટ માટે પ્રમોટર/ડેવલપર ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરેરા ઓથોરીટી દ્વારા રેરા વિષયક જોગવાઇ સંબંધિત જાગૃતિ માટે વેબ સાઇટ પર ગાઇડીંગ વીડિયો, એફ.એ.ક્યુ. પ્રસિદ્ધિ સહિતની કામગીરી કરવામાં આવી છે, એમ વધુમાં જણાવાયું છે.