ગાંધીનગર : શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે ભૂકી છારો રોગ પાકની પાછલી અવસ્થામાં જાેવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોના હિતને ધ્યાને લઈ જરૂરી પગલાં લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર ભૂકી છારા રોગની શરૂઆતમાં છોડના પાન પર ફુગની વૃદ્ધિના સફેદ ડાધા જાેવા મળે છે જે ધીમે ધીમે છોડના દરેક ભાગ જેવાકે ડાળી, થડ તેમજ શિંગો પર જાેવા મળે છે અને આખો છોડ સફેદ છારીથી ઢંકાઈ જાય છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આ રોગના નિયંત્રણ માટે કેટલાક પગલા સૂચવ્યા છે. એમણે જણાવ્યું છે કે ભૂકી છારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા ૮૦% વેટેબલ સલ્ફર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા. હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા અથવા પેન્કોનાઝોલ ૦.૦૦૫% નો પ્રથમ છંટકાવ કરવો અને ત્યારબાદ ૧૦ દિવસના અંતરે બીજા બે છંટકાવ કરવાથી ભૂકી છારાના રોગનું નિયંત્રણ થાય છે.
રાઇમાં ભૂકી છારો રોગના નિયંત્રણ માટે ૮૦ દિવસ બાદ પિયત પાણી આપવું નહી. જીરૂ, વરીયાળી તેમજ ધાણામાં ભૂકી છારો રોગના સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકીનો ૨૫ કિગ્રા/ હે. તેમજ રાઇમાં ૨૦ કિગ્રા/ હે. પ્રમાણેનો છંટકાવ સવારે છોડ ઉપર ઝાકળ હોય ત્યારે જ કરવો જેથી ઝાકળના કારણે ભૂકી છોડ ઉપર ચોંટી રહે. રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. જ્યારે, દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે ૨૫ ગ્રામ દ્રાવ્ય ગંધક ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૨-૩ છંટકાવ દિવસે છોડ ઉપરથી ઝાકળ ઉડી ગયા પછી જ કરવો જેથી સૂકા છોડ ઉપર દ્રાવણ ચોંટી રહે. જીરૂના પાકને પ સેમી ઊંડાઈના ફકત બે- ત્રણ પિયત આપવાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે.
આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.