વાંચક મિત્રો તરફથી ગણતંત્ર પર્વ વિશેષ શ્રેણીને મળી રહેલા અદભૂત પ્રતિસાદ ખબરપત્રી ટીમને પ્રકારના લેખ રજૂ કરવા માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. આપ સૌ વાંચક મિત્રોનો પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે તથા ખબરપત્રી ટીમ આભાર વ્યક્ત કરે છે.
તો આપણા દેશ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે ખબરપત્રી પર વિશેષ રજૂ થઇ રહેલી આ સ્વાતંત્ર્ય પર્વ વિશેષ શ્રેણીને આગળ વધારતા ભાગ-3 માણીયે.
આ શ્રેણીનું સંકલન અને લેખન વડોદરાના રહેવાસી જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે.
૬) રાષ્ટ્રીય નદી: ગંગાઃ
ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.
ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે.
ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે – ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન. ગંગામાં શાર્ક માછલી – ગ્લીફીસ ગંગેટિકસ – પણ મળી આવે છે. ઉલ્લેખનીય છે કે નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.
ગંગાની ઉત્પતિની પૌરાણિક કથાઃ
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની કથા કહી હતી તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો.
સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી. શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી, પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ.
રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદ્ગતિ પ્રાપ્ત થઇ.
૭) રાજ ચિન્હ : સિંહાકૃતિ
ભગવાન ગૌતમ બુદ્ધે જ્યાં સૌપ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુળાકાર ઓટલા પર ઊભા છે. તે વર્તુળાકાર ઓટલાની ઊભી બાજુ પર એક હાથી, દોડતો ઘોડો, એક આખલો અને એક સિંહની આકૃતિ કોતરાયેલ છે તે દરેકની વચ્ચે ધર્મચક્ર કે અશોક ચક્ર છે. આ ઓટલો એક ઉલ્ટા કરેલ કમળ આકાર પર ગોઠવાયેલ છે. આ સમગ્ર શિલ્પ એક અખંડ રેતીયા પથ્થરમાંથી કોતરાયેલ છે.
આ ચાર સિંહો (એક પાછળ હોવાથી નથી દેખાતો) એ શક્તિ, બહાદુરી, માન અને આત્મ વિશ્વાસનું પ્રતીક છે. – જે વર્તુળાકર ઓટલા પર સ્થિત છે. આ ઓટલાની ચારે તરફ નાના પ્રાણીઓ છે – જે ચાર દિશાના રખેવાળ છે: ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો અને પશ્ચિમમાં આખલો. આ ઓટલો પૂર્ણ ખીલેલા ઉલ્ટા કમળ પર સ્થિત છે, જે જીવનનો ઉત્સ્ફૂર્ત ઝરો અને રચનાત્મકતાનું પ્રતીક છે. તેની નીચે ‘સત્યમેવ જયતે’ એ સૂત્ર દેવનાગરીમાં લખેલુ છે જેનો અર્થ છે ‘સત્યનો જ વિજય થાય છે’.
રાજ ચિન્હ તરીકે વપરાયેલ આકૃતિમાં ઊલ્ટા કમળનો ભાગ નથી વપરાયો. સિંહોની નીચેના ઓટલાની કેંદ્રમાં ધર્મચક્ર દેખાય છે તેની જમણી તરફ બળદ અને ડાબી તરફ દોડતો અશ્વ દેખાય છે તેની કિનારીએ બે ધર્મ ચક્રની કિનાર દેખાય. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આ ચિન્હને રાષ્ટ્રીય ચિન્હ તરીકે અપનાવાયું હતું જે ભારતનો ગણતંત્ર દિવસ હતો.
આ ચિન્હ દરેક સરકારી કાગળ પર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે. ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ, ડ્રાયવીંગ લાયસંસ પર પણ તે દેખાય છે. આ ચિન્હના આધાર પર દેખાતું અશોક ચક્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન પામ્યું છે.
(ક્રમશઃ)
સંકલન તથા લેખનઃ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}