મુંબઈ: આરબીઆઈની નાણાંકીય નીતિ કમિટી (એમપીસી)ની બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે જે પહેલી ઓગસ્ટ સુધી ચાલશે. ૨૦૧૮-૧૯ માટે ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ કમિટીની આ બેઠકમાં વ્યાજદર ઘટાડવામાં આવશે કે કેમ તેને લઈને તમામ લોકોની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. વ્યાજદરને લઈને જુદા જુદા પાસા પર વિચારણા કરવામાં આવશે.
સામાન્ય લોકો માટે આ બેઠક મહત્વપૂર્ણ છે. લોન સસ્તી થશે કે કેમ તેને લઈને પણ ગણતરી કરવામાં આવી રહી છે. છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટીનું નેતૃત્વ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ કરી રહ્યા છે. જૂનની બેઠકમાં તમામ લોકોને ચોંકાવી દેવામાં આવ્યા હતા. તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો કરી દેવામાં આવ્યો હતો. અટકળો એવી ચાલી રહી છે કે ફુગાવાના જોખમને ધ્યાનમાં લઈને બુધવારના દિવસે બીજી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. આનો મતલબ એ હશે કે સામાન્ય લોકોને લોનને લઈને મુશ્કેલી નડશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ મિટીંગને ફુગાના આંકડા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ફુગાવાને કાબુમાં લેવા વધુ નિર્ણાયક પગલાંની જરૂરીયાત દેખાઈ રહી છે.
બોન્ડ મૂડી રોકાણકારો અને અલગ અલગ બ્લુમબર્ગ સર્વેમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા ૨૫ બેઝીક પોઈન્ટનો વધાધારો કરવામાં આવશે. આની સાથે રેટ વધીને ૬.૫ ટકા સુધી થઈ જશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એમ પણ માની રહ્યા છે કે હાલમાં યથાસ્થિતિ પણ જાળવવામાં આવી શકે છે.
રેટમાં કોઈપણ હિલચાલથી બેંચમાર્ક બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી જશે. જૂનમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. તુર્કીથી લઈને ઈન્ડોનેશિયા સુધીની સેન્ટ્રલ બેંકોની જેમ જ આરબીઆઈ પણ ઉભરાતા માર્કેટ વચ્ચે પગલાંના મૂડમાં દેખાઈ રહી છે. પોલિસી સમીક્ષા પર કારોબારીઓની નજર છે.