Ravindra Jadeja on Retirement: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ધમાલ મચાવી દીધી અને અજેય રહીને ખિતાબ પોતાના નામે કર્યો. 9 માર્ચ રમાયેલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી હતી.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ જીત બાદ ભારતીય સ્પિનર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. પરંતુ એવું થયું નહીં. હવે ટુર્નામેન્ટના આગલા દિવસે ખુદ રવીન્દ્ર જાડેજાએ સવાલનો સંકેતમાં જવાબ આપ્યો છે.
જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે સંન્યાસને લઈને કોઈ સંકેત આપ્યાં નથી, પરંતુ લોકોને સંકેતમાં કહી દીધું છે કે, તેના સંન્યાસને લઈને કોઈ અફવા ન ફેલાવે. જાડેજાની ઇચ્છા હજુ આગળ રમવાની છે.
જાડેજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે માત્ર એટલુ લખ્યું, નકામી અફવાઓ ના ફેલાવો, ધન્યવાદ. માનવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટ દ્વારા જાડેજાએ પોતાના સંન્યાસના સમાચારને અફવાઓ ગણાવી છે.
ફાઈનલ મેચમાં 36 વર્ષીય જાડેજાએ બોલિંગમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં આઠમાં નંબરે આવીને 6 બોલમા અણનમ 9 રન બનાવ્યાં અને ટીમને જીત અપાવી. જાડેજાએ જ 49મી ઓવરમાં છેલ્લા બોલે ચોગ્ગો મારી મેચમાં જીત અપાવી હતી.