અમદાવાદ : અમદાવાદ શહેરમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પરંપરા મુજબ, ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં અગાઉથી નોંધણી થયેલ અને જેનો નંબર લાગ્યો હોય તે યજમાન દ્વારા ભવ્ય મોસાળુ કરવામાં આવતુ હોય છે અને મોસાળામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોના-ચાંદીના દાગીના, અલંકારિક વસ્ત્રો, પાર્વતી શણગાર સહિતનો સાજ શણગાર અર્પણ કરવામાં આવતો હોય છે પરંતુ હવે આવતા વર્ષથી ૨૦૨૦થી સરસપુરમાં ભલાભગતની પોળ ખાતે આવેલા પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતેથી પણ અનેક સાધુ-સંતો તરફથી પણ તેમનું અલગ મામેરું ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે કરવામાં આવશે.
આ ઐતિહાસક અને નવી ધાર્મિક પરંપરાની જાહેરાત આજે સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજ ગુરૂ વાસુદેવજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આમ, હવે આવતા વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસે સરસપુર ખાતેના મોસાળમાં ભાણિ-ભાણયાઓ માટે બબ્બે મામેરાં કરવામાં આવશે. આ અંગે ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણદાસજી મહારાજ ગુરૂ વાસુદેવજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષે સરસપુરના રણછોડરાય મંદિરમાં લોકો નોંધણી કરાવી રથયાત્રાના દિવસે મામેરાના યજમાન બને છે અને ભગવાનને વર્ષોથી તે મામેરું અર્પણ થતું આવ્યું છે પરંતુ હવે આવતા વર્ષથી એટલે કે, ૨૦૨૦થી સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરેથી સાધુ-સંતો દ્વારા પણ મામેરૂં કરવામાં આવશે.
આમ, હવે આવતા વર્ષથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સાધુ-સંતો અને યજમાન દ્વારા એમ બે અલગ-અલગ મામેરાં અર્પણ કરવામાં આવશે. સાધુ-સંતોના મામેરું કરવા પાછળ મહંત શ્રી લક્ષ્મણદાસજી ગુરૂ વાસુદેવજી મહારાજે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સરસપુરની પોળોના સ્થાનિક રહેવાસીઓ અને રથયાત્રામાં ભારતભરમાંથી આવતાં અન્ય સાધુ-સંતોની પણ ઇચ્છા હતી કે, સાધુ-સંતો દ્વારા પણ ભગવાનનું અલગ મામેરું અર્પણ કરવામાં આવે. વળી, છેલ્લા કેટલાક સમયથી મારા ગુરૂજી વાસુદેવજી મહારાજ અને રણછોડરાયજી ભગવાનનો સપનામાં સંકેત મળ્યો હતો કે, સાધુ-સંતોના મામેરાંની નવી પરંપરા શરૂ કરવામાં આવે.
જેથી ઇશ્વરયી સંકેતને માનીને તેઓ હવે આવતા વર્ષથી સાધુ-સંતો દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને અલગથી મામેરું અર્પણ કરવાની નવી ધાર્મિક પરંપરા રથયાત્રામાં કરવા જઇ રહ્યા છે, જેને લઇ હવે સ્થાનિક રહીશોની સાથે સાથે સાધુ-સંતોમાં પણ ખુશીની લાગણી છવાઇ છે. સાધુ-સંતો દ્વારા અર્પણ થનારું મામેરું પણ ભવ્યાતિભવ્ય રીતે જ કરવામાં આવશે અને તેમાં પણ ભાણિ-ભાણિયાઓને કોઇ ચીજવસ્તુઓ અર્પણ કરવામાં કોઇ કસર નહી રખાય.