અમદાવાદ : સરસપુર મહાજનના અગ્રણી બિપીનભાઇ બારોટે જણાવ્યું હતું કે, આટલા વર્ષોના ઇતિહાસમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો સહિત નગરજનો સરસપુરની નવથી વધુ પોળોમાં દર વર્ષે રથયાત્રાના દિવસે ભારે પ્રેમ અને આદરપૂર્વક જમતા હોય છે, પરંતુ હજુ સુધી કયારેય જમવાનું ખૂટયું નથી. ભગવાનનો એવો ચમત્કાર છે કે, લાખોની સંખ્યામાં લોકો જમે છે તેમ છતાં હજુ સુધી કયારેય જમવાનું બગડયુ નથી કે, કયારેય રસોઇ ખૂટી નથી. સરસપુરના સ્થાનિક લોકો તો વર્ષોથી ભગવાન જગન્નાથજી અને તેમના ભકતોની સેવામાં તત્પર રહે છે. નોંધનીય વાત તો એ છે કે, આઠ-દિવસની મહેનત બાદ શ્રધ્ધાળુ ભકતો માટે બનાવાયેલા જમવામાંથી આ પોળોનો એકપણ વ્યકિત જમતો નથી,તેઓ તો તેમના ઘેર જ જમે છે.
બસ ભગવાનના આ પુણ્યકાર્યમાં તેઓ તો સેવા આપવા ઇચ્છતા હોય છે. મોસાળવાસીઓની આ ભાવના બહુ પવિત્ર છે. રથયાત્રાની બીજી એક નોંધનીય વાત એ છે કે, રથયાત્રાના દિવસે રથ ખેંચનાર ખલાસ ભાઇઓ પણ સરસપુરની પોળોમાં કયારેય જમતા નથી, તેઓ તેમના ઘરેથી લાવેલુ ભોજન જ અને એ પણ રથ પર જમી લેતા હોય છે. કારણ કે, લાખોની જનમેદની વચ્ચે ભગવાનના રથની સુરક્ષાની જવાબદારી હોઇ તેઓ રથ છોડીને કયાંય જતા નથી. ખલાસભાઇઓની સેવા અને તેમની આ પરંપરા પણ રથયાત્રામાં નોંધનીય બની રહે છે. જમણવારને લઇને પણ શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને તૈયારીઓ છે.