અમદાવાદ : વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે ચુકાદો આવનાર હતો. પરંતુ અમદાવાદ શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનારી રથયાત્રાને લઇ પોલીસ તંત્ર તેમાં સુરક્ષા અને સલામતી વ્યવસ્થામાં તૈનાત હોવાથી કેદીઓને લઇ કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટેનો પોલીસ જાપ્તો ઉપલબ્ધ નહી થઇ શકતાં ચકચારભર્યા લઠ્ઠાકાંડ કેસનો ચુકાદો આજરોજ ટળ્યો હતો. હવે સેશન્સ કોર્ટ દ્વારા આ કેસમાં પોતાનો ચુકાદો તા.૬ઠ્ઠી જુલાઈના રોજ અપાય તેવી શકયતા છે.
તો રથયાત્રાને પગલે કોર્ટે હાલ ચુકાદો મુલતવી રાખતાં ચુકાદાની રાહ જાઇને બેઠલા વકીલો-પક્ષકારો સહિતના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શહેર સહિત રાજયભરમાં ચકચાર જગાવનાર લઠ્ઠાકાંડ કેસમાં ૩૩થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેસના ટ્રાયલ દરમ્યાન ૬૫૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આજે એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડા પોતાનો ચુકાદો આપવાના હતા. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચુકી છે. પરંતુ આજે પોલીસને રથયાત્રા હોવાથી પોલીસને કેદી જાપ્તો ન મળતા ચુકાદો ટળ્યો હતો. કોર્ટ દ્વારા હવે આ કેસમાં તા.૬ઠ્ઠી જૂલાઇએ પોતાનો ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં તા.૯મી જૂનથી તા.૧૧મી જૂન, ૨૦૦૯ દરમ્યાન સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩નાં મોત અને ૨૦૦ લોકોને અસર થઈ હતી. જેમાં વિનોદ ડગરી સહિત પકડાયેલા ૩૩ લોકો સામે ટ્રાયલ ચલાવવામાં આવ્યો હતો. અગાઉ કાગડાપીઠ પોલીસ મથક વિસ્તારમાં બનેલા લઠ્ઠાકાંડમાં કુખ્યાત વિનોદ ડગરી સહિત દસ આરોપીઓને કોર્ટે ગુનેગાર ઠરાવીને સજા ફટકારી હતી. જ્યારે બાકીના ૧૪ આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂકયા હતા. વર્ષ ૨૦૦૯ના જૂન માસમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને વિનોદ ડગરી સહિત ૩૩થી વધુ લોકોની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ ગંભીર ઘટના બાદ રાજય સરકારે જસ્ટિસ કમલ મહેતા તપાસ પંચની નિમણૂક કરી હતી. તપાસપંચે દારૂના કાયદામાં રહેલી ક્ષતિઓ દૂર કરવા અને પોલીસને કડક અમલ કરવા માટે ભલામણ કરી હતી. બીજી તરફ આ કેસ ચાલતા ખાસ સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ અને અમિત પટેલે ૬૫૦થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજો તપાસ્યા હતા. આ કેસની કાર્યવાહી દરમ્યાન દારૂમાં કેમિકલ સપ્લાય કરનાર જયેશ ઠક્કર અને યોગેન્દ્ર ઉર્ફે દ્દદુ છારા ફરાર થઈ જતા તેમના કેસ અલગ કરવામાં આવ્યા હતા. ત્યાં કેસમાં દલીલો પૂરી થયા બાદ જજની બદલી થતા હાઈકોર્ટે ચુકાદા સુધી બદલી સામે રોક લગાવી હતી.