અમદાવાદ : શહેરની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રામાં ગજરાજાનું સવિશેષ મહત્વ છે. આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા નીકળનાર છે ત્યારે ગજરાજા મેડિકલી ફીટ અને બધી રીતે તૈયાર થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી ગજરાજાની ચાલતી મેડિકલ તપાસ અને ચકાસણી આખરે પૂર્ણ થઇ ગઇ છે. જા કે, એક હાથણીને પગમાં તકલીફ હોવાથી તેને નિષ્ણાતોએ અનફીટ જાહેર કરી હતી અને તેથી તેણીને રથયાત્રામાં સામેલ નહી કરાય. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને રથમાં બિરાજમાન કરાય તે પછી ભગવાનના સૌથી પહેલા દર્શન ગજરાજાને કરાવાય છે. ગજરાજા ભગવાનના દર્શન કરી લે તે પછી જ રથયાત્રાની પ્રસ્થાનવિધિ શકય બને છે.
ગજરાજ એ ગણપતિદાદાનો સાક્ષાત્ અવતાર છે અને તેથી જ રથયાત્રા નિર્વિધ્ન રીતે પૂર્ણ થાય તે હેતુથી ગજરાજાને રથયાત્રામાં સૌથી આગળ રાખવામાં આવે છે. આવતીકાલની ૧૪૨મી રથયાત્રામાં ૧૫ હાથણી અને એક હાથી સહિત કુલ ૧૬થી૧૭ ગજરાજા સામેલ હશે. ગજરાજાને અંકુશમાં રાખવા અને કોઇ અનિચ્છનીય પરિસ્થિતને પહોંચી વળવા કાંકરિયા ઝુ, ઇન્દ્રોડા પાર્ક- વનવિભાગ, જૂનાગઢ ઝુ સહિતની પાંચ ટીમો પણ ગજરાજાની સતત સાથે રાખવામાં આવશે. આ અંગે કાંકરિયા ઝુના સુપ્રિટેન્ડન્ટ આર.કે.સાહુએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઇ ગજરાજાનું ખાસ તબીબી પરીક્ષણ કરવામાં આવતું હોય છે.
કાંકરિયા ઝુના ડોકટર અને રાજયના પશુપાલન વિભાગના ડોકટર્સ દ્વારા રથયાત્રામાં જાડાનાર તમામ ગજરાજાનું તબીબી પરીક્ષણ કરાયું છે અને એક હાથણીને બાદ કરતાં તમામ ગજરાજ મેડિકલી ફીટ જણાયા છે. આ હાથણીને પગમાં થોડી તકલીફ છે, તેથી તેને મેડિકલી અનફીટ જાહેર કરાઇ છે. ગજરાજાના તબીબી પરીક્ષણમાં તેમનું ફિઝિકલી અને મેન્ટલી એમ બંને રીતે તપાસ કરવામાં આવતી હોય છે. ફિઝિકલીમાં એ તપાસાય છે કે, રથયાત્રાના આટલા લાંબા રૂટમાં તે સળંગ અને સતત ચાલી શકશે કે કેમ, તે પગથી લંગડાતો તો નથી ને, તેના પગમાં કોઇ સોજા કે અન્ય કોઇ બિમારી તકલીફ તો નથી ને વગેરે બાબતોની તબીબી તપાસ થતી હોય છે. જયારે માનસિક તપાસમાં હાથી રથયાત્રા દરમ્યાન લાખોની જનમેદની જાઇ ભડકી જાય તેમ તો નથી ને અને કોઇ પર હુમલો કરે તેવી શકયતા તો નથી ને વગેરે બાબતો ચકાસાતી હોય છે.
આ માટે ગજરાજાનું પ્રેશર, ટેમ્પ્રેચર પણ મપાતુ હોય છે. જો કે, તબીબી પરીક્ષણમાં તમામ ગજરાજા મેડિકલી ફીટ જણાયા છે. ડો.સાહુએ ઉમેર્યું કે, આવતીકાલે રથયાત્રામાં કાંકરિયા ઝુની છ સભ્યોની ટીમ, પશુપાલન વિભાગની છથી આઠ સભ્યોની ટીમ, વનવિભાગની પાંચથી છ સભ્યોની ટીમ, ઇન્દ્રોડાની ત્રણથી ચાર સભ્યોની ટીમ અને જૂનાગઢ ઝુની ચારથી પાંચ સભ્યોની ટીમ ગજરાજા માટે સાથે ને સાથે રહેશે. જો કોઇ સંજાગોમાં હાથી બેકાબૂ બને તો તેને અંકુશમાં લેવા માટે ટ્રાન્ક્વીલાઇઝર ગન સાથે રાખવામાં આવતી હોય છે, જે ગન કાંકરિયા ઝુ, ઇન્દ્રોડા અને જૂનાગઢ ઝુની ટીમ પાસે જ હોય છે. ઉપરોકત પાંચેય ટીમોમાં નિષ્ણાત ડોકટરો અને અધિકારીઓ સામેલ હશે