અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા પરિવાર(ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ) દ્વારા સને ૧૯૬૮થી શરૂ કરવામાં આવેલી બાળ રથયાત્રાની તા.૪થી જૂલાઇના રોજ સતત ૫૨(બાવન)માં વર્ષે અનોખી ઉજવણી સાથે પારંપરિક રથયાત્રા નીકાળવામાં આળશે. જેમાં આ વર્ષે ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટના સહયોગ અને સોલા, ભાગવત વિદ્યાપીઠ દ્વારા અનંત(ત્રિપદા) ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના નેજા હેઠળ તા.૪થી જૂલાઇના રોજ ૨૦ ફુટ ઉંચા અને આકર્ષક લાકડાના રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની રથયાત્રા નીકાળવામાં આવશે.
પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ આકર્ષણ જમાવતી ભગવાન જગન્નાથજીની આ બાળ રથયાત્રાનું ત્રિપદા સ્કૂલ પરિવારના સભ્યો સહિત ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વલ્લભકુળના ઋષિકુમારો સુંદર સંચાલન કરશે એમ અત્રે ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ,ઘાટલોડિયાના મેનેજીંગ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવતઋષિએ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો-વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ બાળ રથયાત્રાની શરૂઆત ત્રિપદા પરિવારના સ્થાપક લાભશંકર પી.ભટ્ટે કરી હતી, આ પરંપરા તેમના પુત્ર અર્ચિત ભટ્ટે ૫૦મા વર્ષ સુધી નિભાવી છે. આ વર્ષે બાળ રથયાત્રાનું ૫૨મું વર્ષ હોઇ તેની અનોખી ઉજવણી કરાશે. તા.૪થી જૂલાઇએ સવારે ૬-૩૦ વાગ્યે ત્રિપદા પરિવાર અને શ્રધ્ધાળુઓ દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મહાઆરતી કર્યા બાદ સવારે ૭-૩૦ વાગ્યે નીલકંઠ મહાદેવથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. આ રથયાત્રા નીલકંઠ મહાદેવથી વરદાન ટાવર થઇ પ્રગતિનગર ગાર્ડન, વિજયનગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલપંપ, કામેશ્વર સર્કલ, અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, શા†ીનગર, રન્નાપાર્ક, પ્રભાત ચોક, ચાણકયપુરી બ્રીજ થઇ ડમરૂ સર્કલ, પ્રમુખનગર, શાયોના સીટી, વિશ્વાસ સીટી-૨, આઇડીપી સ્કૂલ, નિર્માણ ટાવર, ભાગવત કોમ્પલેક્ષ(પ્રસંગ ચાર રસ્તા) થઇ સમગ્ર ૧૨ કિલોમીટરના લાંબા રૂટ પર પસાર થતી સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે બપોરે ૧-૪૫ વાગ્યે પહોંચશે અને ત્યાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. આ વખતે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરી ૧૨ કિલોમીટરથી વધુ લાંબો કરવામાં આવ્યો છે.
રથયાત્રાના રૂટમાં ૨૦ ફુટ ઉંચો શણગારેલો રથ, પાંચ ટ્રક, પાંચ મીની બસ, પાંચ ઉંટ ગાડી, પાંચ મારૂતિવાન, ૩૨ ટ્રેકટર, ૧૪ પેન્ડલ રીક્ષા અને શાળાના બાળકોની બેન્ડપાર્ટી વિવિધ અખાડા-કરતબો, રાસ-ગરબા, ભજનમંડળી સહિતના આકર્ષણો પણ જાવા મળશે. રથયાત્રા દરમ્યાન હજારો શ્રધ્ધાળુ ભકતો માટે ત્રિપદા પરિવાર તરફથી ૨૦૦થી વધુ કિલોના પ્રસાદ વિતરણ કરાશે, જેમાં ૮૦ કિલો ફણગાવેલા મગ, ૬૦થી વધુ કિલો જાંબુ અને કાકડીનો સમાવેશ થાય છે. ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ,ઘાટલોડિયાના મેનેજીંગ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવતઋષિએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વખતની રથયાત્રામાં વલ્લભ પરિવારના સહિત અનેક સંતો-મહંતો અને સાધુ-સંતો પણ પધારશે. પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી આકર્ષણ જમાવતી અનંત(ત્રિપદા) ટ્રસ્ટ પરિવાર દ્વારા યોજાતી આ રથયાત્રામાં આ વર્ષે પર્યાવરણ, નૈતિક મૂલ્યો, માતા-પિતાની સેવા-સન્માન, રાષ્ટ્રવાદ સહિતના સામાજિક સંદેશાને પણ પ્રજા સમક્ષ મૂકી નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કરાશે.