અમદાવાદ : શહેરમાં તા.૪થી જૂલાઇએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ રથયાત્રા પૂર્વેની પરંપરાગત અને ધાર્મિક વિધિઓની શરૂઆત થઇ ગઇ છે અને રથયાત્રાને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જાણે છવાયો છે. હવે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મૂર્તિઓનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભારે શાસ્ત્રોકત વિધિ સાથે તેઓની આંખો પર પાટા બાંધવાની પવિત્ર નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આજે મંદિર પરિસરમાં દેશભરમાંથી પધારેલા હજારો સાધુ-સંતો માટે મોટો ભંડારો યોજાશે અને હવે બે દિવસ બાદ રથયાત્રાના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળાઆરતી પહેલાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આંખો પરથી પાટા ખોલવામાં આવશે.
આ અંગે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, રથયાત્રા પૂર્વે આજે તા.૨જી જૂલાઇએ વહેલી સવારે આઠ વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ અને તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ ભારે શાસ્ત્રોકત વિધિ સાથે કરવામાં આવશે. આજે સવારે ૯-૩૦એ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરાશે. જે પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૧૦-૦૦ વાગ્યે વિશિષ્ટ પૂજા અને આરતી ત્યારબાદ અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગિરનાર, મથુરા, વૃંદાવન સહિતના દેશના ખૂણેખૂણેથી પધારેલા સાધુ-સંતો માટે સવારે ૧૧-૩૦ વાગ્યે મંદિર પરિસરમાં વિશાળ ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. દરમ્યાન તા.૩જી જૂલાઇએ સવારે ૮-૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. બપોરે ૩-૦૦ વાગ્ય મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ સંપન્ન થશે. સાંજે ૪-૦૦ વાગ્યે શહેર શાંતિ સમિતિના સભ્યો દ્વારા મહંત અને મંદિરની મુલાકાત લેવાશે.
બાદમાં સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પરંપરા મુજબ, રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી મંદિર અને મહંતશ્રીની શુભેચ્છા મુલાકાત લેવા આવશે. આ દિવસે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ લાવતા હોય છે. સાંજે ૮-૦૦ વાગ્યે વિશેષ પૂજા અને સંધ્યા આરતી યોજાશે. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલમંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો અતિથિવિશેષ પદે હાજર રહેશે. રથયાત્રાના દિવસે તા.૪થી જૂલાઇએ વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળાઆરતી પહેલાં ભગવાનની આંખો પરથી શાસ્ત્રોક્ત વિધિ સાથે પાટા ખોલવામાં આવશે અને ત્યારપછીની વિવિધ વિધિઓ પૂર્ણ કરાયા બાદ સવારે સાત વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન થશે.