અમદાવાદ: ક્રિએટિવ આઇ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ક્લબ બેબીલોન ખાતે ભવ્ય રાસોત્સવ 2018નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગરબા રમવા ઉત્સાહિત યુવાન-યુવતિઓ નવા ગરબાના તાલે ઝુમીને નવરાત્રીનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકશે. ભાડજ સર્કલ પાસે 10થી 18 ઓક્ટોબર, 2018 દરમિયાન યોજાનારા રાસોત્સવ 2018માં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેવાની અપેક્ષા છે.
મહત્વપૂર્ણ છે કે રાસોત્સવ 2018માં જીફા (ગુજરાત આઇકોનિક ફિલ્મ્સ એવોર્ડ્સ) દ્વારા દરરોજ નવા સેલિબ્રિટિઝને આમંત્રિત કરવામાં આવશે તથા ઓર્કેસ્ટ્રા અને ગાયક પણ દરરોજ નવા રહેશે, જેથી ખેલૈયાઓને વેરાયટી મળી રહેશે. આ ઉપરાંત પ્રથમવાર નવરાત્રીના તમામ દિવસના ગરબા ફેસબુક ઉપર લાઇવ કરાશે.
આ ગરબાના આયોજન અંગે વાત કરતાં ક્રિએટિવ આઇ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટના હિમાંશુ ઉત્તમચંદાની અને દિપક રાજપૂતે જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ અમે ખેલૈયાઓની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને સમગ્ર ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે. સુંદર વેન્યુ, અદ્ભુત ઓર્કેસ્ટ્રાની સાથે-સાથે તેમના પાર્કિંગ સહિતની આવશ્યકતાઓને પૂર્ણ કરી શકાય અને તેઓ મુક્ત મને ગરબાની રમઝટ કરી શકે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ વર્ષની ગરબાની થીમ હેરિટેજ રાખવામાં આવી છે, જે ચોક્કસપણે ખેલૈયાઓને પસંદ પડશે તેવી અમને અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે રાસોત્સવ 2018 દ્વારા એકત્ર થયેલાં ભંડોળના કેટલાંક હિસ્સાને સામાજિક ઉત્કર્ષ માટેની કામગીરી માટે પણ ફાળવવામાં આવશે, જેનાથી મહિલાઓ અને બાળકોના સશક્તિકરણની દિશામાં યોગદાન આપવામાં મદદ મળી રહેશે તથા તેનાથી અન્ય લોકોને પણ ઉમદા કામગીરીમાં જોડાવા માટે પ્રોત્સાહન મળશે.
રાસોત્સવ 2018માં ખેલૈયાઓને સરપ્રાઇઝ કરે તેવા નવા ગરબાની પણ રજૂઆત કરવાની તૈયાર થઇ રહી છે, જે તેમના આનંદ અને ઉમંદમાં ચોક્કસપણે વધારો કરશે અને સમગ્ર નવરાત્રીને યાદગાર બનાવશે.