અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી સત્યમ્ હોસ્પિટલની આગળ એક બિલ્ડિંગ બનતાં સ્થાનિક ડો.મધુસૂદન પટેલ અને તેમના બે મિત્રોએ બિલ્ડર મદનલાલ જયસ્વાલને ધમકી આપીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માગતા સમગ્ર મામલો બાપુનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ડોકટર અને તેમના બે મિત્રો દ્વારા બાંધકામ તોડી નાખવાની ધમકી આપી ખંડણી મંગાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બિલ્ડરની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે.
બાપુનગર વિસ્તારમાં આવેલ નીલમ પાર્કમાં રહેતા મદનલાલ જયસ્વાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં ૨૫ લાખ રૂપિયાની ખંડણી માગવાની ફરિયાદ નોંધાવી છે. મદનલાલ કૃષ્ણનગર ખાતે આવેલી પ્રકાશ હિંદી સ્કૂલના ટ્રસ્ટી છે અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મદનલાલે બાપુનગર વિસ્તારમાં આવેલી એક જમીન વર્ષ ૨૦૧૭માં ખરીદી હતી. જમીનની પાછળ ડો.મધુસૂદન પટેલની સત્યમ્ હોસ્પિટલ આવેલી છે. જમીન પર બાંધકામ કરવા માટે મદનલાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પ્લાન પાસ કરાવ્યો હતો અને બાંધકામ ચાલુ કર્યું હતું. હોસ્પિટલ આગળ બિલ્ડિંગ બનતાં ડો.મધુસૂદન પટેલે તેનો વિરોધ કર્યો હતો અને બિલ્ડર મદનલાલને ધમકી આપી હતી કે આ કામ તમે ખોટું કર્યું છે હવે તમને ચેનથી રહેવા દઇશું નહીં અને બાંધકામ તોડાવી નાખીશું. મધુસૂદન પટેલે બાંધકામ તોડી નાખવા માટે અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હતી.
મદનલાલની સોસાયટીમાં રહેતા ભરત કોઠીવાલા અને રાજેન્દ્ર પુવારે મધુસૂદન પટેલના કહેવાથી મદનલાલની ધાક ધમકી આપી હતી અને હાથ પગ તોડી નાખવાની ધમકી આપીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. મદનલાલે ત્રણેયની ધમકીઓથી કંટાળીને ગઇકાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર જાગી છે.