કચ્છની ધરા પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાઇ રહેલા રણોત્સવ – ૨૦૧૯ નો ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ આજે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિશ્રીએ શુદ્ધ ગુજરાતીમાં તેમના વક્તવ્યનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પર્યટનના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અભિનંદનીય છે. દેશ દુનિયામાં પોતાની આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતના આ સફેદ રણમાં પ્રતિવર્ષ યોજાતા રણ ઉત્સવ કાર્યક્રમમાં માત્ર કચ્છની સંસ્કૃતિ જ નહીં, પરંતુ ગુજરાતની લોકકલાની સાથે ગુજરાતની સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, કચ્છનું રણ એ સંસ્કૃતિ, સંસ્કારો શિલ્પ – કળા અને પ્રકૃતિ સૌંદર્યનો અનોખો સંગમ છે. રણ ઉત્સવ એ આ વિસ્તારના સામાજિક – આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની જન્મ – કર્મ ભૂમિ રહ્યું છે. આ ભૂમિ એ સાચા અર્થમાં તીર્થભૂમિ છે.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ કચ્છની સફેદ ધરા ઉપર ઉજવાઇ રહેલા રણોત્સવમાં કચ્છની કલા સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, આ વિસ્તારને પ્રવાસનના નકશા ઉપર મૂકવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ અથાક પ્રયાસો કર્યા છે. જેની પ્રતીતિ મને આજે અહીં આવીને થઈ રહી છે.
માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવરૂપ આ સફેદ રણને નિહાળવા આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાંથી પર્યટકો આવી રહ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કચ્છના રણને અડીને આવેલ સરહદ ઉપર ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોનો ઉલ્લેખ કરી, પ્રતિવર્ષ યોજાતા રણોત્સવના કાર્યક્રમમાં બીએસએફના જવાનોને પણ સહભાગી બનાવવા જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિશ્રીએ આ તકે રણોત્સવના માધ્યમથી લોકતંત્ર અને વિકાસની ધારામાં સ્થાનીય લોકોને સહભાગી બનાવી આ ભૂમિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બદલ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છનું સફેદ રણ એ આજે દુનિયાનું પ્રવાસનનું અમૂલ્ય ઘરેણું બન્યું છે. આ રણને, અહીંની સંસ્કૃતિ – અસ્મિતાને દેશ દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ હાથ ધરેલા પ્રયાસોના પરિણામે આજે કચ્છનું સફેદ રણ એ દુનિયાના પ્રવાસન ધામમાં શિરમોર બન્યું છે. રણોત્સવના કારણે ગુજરાતમાં પ્રવાસનને વેગ મળ્યો છે, સાથોસાથ આ વિસ્તારની આસપાસ વસતા ગ્રામ્ય કારીગરોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના પ્રવાસનને વેગ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આજે ગુજરાતની સંસ્કૃતિથી દેશ – દુનિયાના લોકો વાકેફ થયા છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, કચ્છમાં પ્રતિવર્ષ યોજાતા રણોત્સવ એ આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલ્યા છે, આ રણોત્સવમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે.
આ પ્રસંગે પનઘટ કલા કેન્દ્ર – ગાંધીનગર દ્વારા સંકલિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છી ગજીયો રાસ સહિતની કચ્છની સંસ્કૃતિની સાથે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર, નડિયાદ, ડાંગ, પોરબંદર અને ગાંધીનગરના ૧૦૦ થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ તકે ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ – સૌમિલ અને આરતી મુનશીએ કચ્છની ધરા, સફેદ રણ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પર્યટન ગીતને લોન્ચ કર્યું હતું.