ભૂજના રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે ‘રક્ષકવન’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલ ૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ ઉપર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરાશે.

રૂદ્રમાતા સાઇટ ભૂજ ખાતે સવારે ૯ કલાકે યોજાનાર આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ‘‘રક્ષકવન’’નો લોકાર્પણ સમારોહ યોજાશે. આ વેળાએ આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન મંત્રી, ગણપતસિંહ વસાવા, શ્રમ રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોર, વન રાજ્ય મંત્રી રમણલાલ પાટકર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર પણ ખાસ ઉપસ્થિત રહેશે, તેમ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા દ્વારા જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૯મા વન મહોત્સવ અંતર્ગત ૩૩ જિલ્લા, ૮ મહાનગરપલિકા, ૨૪૧ તાલુકા અને ૪૫૦૦ ગામોમાં જનભાગીદારી થકી વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. ૮૦૦ નદી કાંઠાના ૮૫૦ થી વધુ સ્થળો ઉપર ૪૦ લાખ રોપા વાવેતરની કામગીરી હાથ ધરાશે. સાથે સાથે શહેરી વિસ્તારમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપવા ૫૦ લાખ રોપાઓ ફાળવવામાં આવશે. વન વિભાગ દ્વારા ફળાઉ, આયુર્વેદિક, સુશોભીત, ઇમારતી અને અન્ય રોપાઓ મળી કુલ ૯૭૭ લાખ રોપાઓનું રાજ્યભરમાં વિતરણ કરાશે.

Share This Article