અમદાવાદ: રવિવારની રજાના દિવસે આવેલા ભાઈ-બહેનના અમર અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને રાખડી બાંધી તે હંમેશા સુખી રહે તેવી પ્રાર્થના કરી હતી, તો ભાઇઓએ પણ પોતાની બહેન પર કયારેય દુઃખનો ઓછાયો ના પડે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી તેને યથાશકિત ભેટ-સોગાદ અર્પણ કરી બહેનને ખુશીઓ આપી હતી.
અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં રક્ષાબંધનના પર્વ અને ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો માટે ભાઇના ઘેર આજે મનભાવન રસોઇ અને જમણનું પણ ખાસ આયોજન કરાયુ હતું તો કેટલાક ભાઇઓ તેમની બહેન અને પરિવાર સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં મિજબાની માણવા પહોંચ્યા હતા. રક્ષાબંધનના તહેવારને લઇ આજે ખમણ, ચોળાફળી, ગોટા, બફવડા સહિતના ફરસાણ અને સ્વીટ્સ-મીઠાઇની દુકાનોએ પણ ભારે ભીડ જાવા મળી હતી. કેટલાક સ્વીટમાર્ટ અને ફરસાણવાળાના ત્યાં તો ગ્રાહકોની લાંબી લાઇનો નજરે પડતી હતી. વહેલી સવારથી જ આજે બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇને શુભમૂર્હુતમાં પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથે રાખડી બાંધવાની તૈયારીઓ કરી દીધી હતી અને હૃદયના સાચા ભાવ અને હેત સાથે પોતાના ભાઇને માથે કંકુતિલક કરી, રાખડી બાંધી મોં મીઠુ કરાવ્યું હતું. એટલું જ નહી, બહેનોએ પોતાનો ભાઇ સદાય સુખી રહે તેવા આશીર્વાદ આપી પ્રાર્થના કરી હતી તો, ભાઇઓએ પણ પોતાની બહેનના જીવનમાં કયારેય દુઃખ ના આવે અને સદાય ખુશહાલ રહે તેવી શુભકામના પાઠવી યથાશકિત ભેટ-સોગાદ અર્પણ કરી પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો.
આ પર્વ નિમિતે ભાઇ તરફથી બહેનને અપાતી રોકડ રકમ, ભેટ-સોગાદ તો ગૌણ બાબત છે, સાચી વાત આજના પર્વમાં ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર સ્નેહ અને સંબંધની છે, જે ભાઇ-બહેનના લાગણીભર્યા અને અવર્ણનીય પ્રેમને સાચા અર્થમાં અમર કરી દે છે. ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓ-બહેનોનું સૌથી વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે.
ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર નિમિતે આજે બ્રાહ્મણોએ પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભમૂર્હુતમાં જનોઇ બદલી નવી જનોઇ ધારણ કરી હતી. આજે ભાઇઓએ પણ વ્હાલસોયી બહેનોની તમામ ફરમાઇશ જાણે પૂરી કરી હતી અને તેને સ્વીટ્સ મીઠાઇ, ચોકલેટ, આઇસ્ક્રીમથી મોં મીઠુ કરાવ્યું હતું. રક્ષાબંધનના તહેવારને લઇ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભાઇ-બહેનના અમર પ્રેમ અને લાગણીસભર સંબંધનો માહોલ છવાઇ રહ્યો હતો.