મુંબઈ : સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સ્થાનિક શેરબજારમાં જ્યારે તીવ્ર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યા હતા. તેમના પોર્ટફોલિયોમાં રહેલા કેટલાક શેરના ભાવ પહેલી જુલાઈ બાદ ગબડી પડ્યા હતા પરંતુ ઝુનઝુનવાલાએ નાના શેરમાં રોકાણ જારી રાખ્યું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં છેલ્લા સુધી રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્નિ રેખા ઝુનઝુનવાલાએ પોતાના નિવેશના એક ટકાથી વધુની રકમ જે ૨૭ શેરમાં લગાવી હતી તેમાંથી એમસીએક્સને બાદ કરતા આ તમામ શેર મંદીમાં ગરકાવ થઇ ગયા હતા. છતાં ઝુનઝુનવાલાએ દિવાન હાઉસિંગ ફાઈનાન્સ વધુ કેટલાક શેર ખરીદી લીધા હતા.
તેમના પોર્ટફોલિયોમાં સામેલ રહેલા તમામ શેરમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ શેરમાં જ સૌથી વધુ ઘટાડો રહ્યો હતો છતાં પણ આ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં તેમના શેર સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંતમાં ૩૯ બેઝિક પોઇન્ટ વધીને ૩.૧૯ ટકા સુધી પહોંચી ગયા હતા જે જુન ત્રિમાસિક ગાળાના ૨.૮ ટકા હતા. જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન દિવાન હાઉસિંગ ફાઈનાન્સની માર્કેટ મૂડી ૫૬.૯૦ ટકા ઘટી ગઈ હતી.
આંકડાથી જાણવા મળ્યું છે કે, ઝુનઝુનવાલાએ દિવાન હાઉસિંગના શેર ૨૦૧૩થી રાખ્યા હતા. સપ્ટેમ્બર ત્રિમાસિક સુધી જુબીલેન્ટ લાઇફના શેર પણ પાંચ લાખ શેર ખરીદી લીધા હતા જેથી શેરની કિંમત ૧.૬ ટકા સુધી પહોંચી હતી. એસ્કોર્ટમાં તેઓએ ૪૨૩૬૮ શેર ખરીદી લીધા હતા. તેમની હિસ્સેદારી ૮.૧ ટકાથી વધીને ૮.૨ ટકા થઇ હતી. ઝુનઝુનવાલાએ ટાઈટનમાં પણ શેર જારી રાખ્યા છે.