રાજ્યભરમાં ચાર ઝોનમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૧૮ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય યુવા ઉત્સવ ૨૦૧૮-૧૯નું આયોજન કરાયું છે. રાજ્યભરમાં ચાર ઝોનમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૧૮ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનમાં યોજાનાર સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ કે બિન વિદ્યાર્થી કોઇપણ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. જેમાં ૧૫ થી ૨૦ વર્ષ સુધી ‘અ’ વિભાગ, ૨૦ થી વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના યુવાનો માટે ‘બ’ વિભાગ તથા ૧૫ થી ૨૯ વર્ષ સુધીના યુવાનો માટે ખુલ્લો વિભાગ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટીઓ, જુદી જુદી તાલીમી સંસ્થાઓ, સાંસ્કૃતિક કલા સંસ્થાઓ કે વ્યક્તિગત રીતે પણ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છતી વ્યક્તિઓએ કે સંસ્થાઓએ નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ સપ્ટેમ્બર-૨૦૧૮ના અંત સુધીમાં, જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ઓકટોબર-૨૦૧૮ના અંત સુધીમાં, ઝોન કક્ષાનો યુવા ઉત્સવ નવેમ્બર-૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં તથા રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ ડિસેમ્બર-૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં યોજાશે. રાજ્ય કક્ષાએ પ્રવેશ પત્રો મોકલવાની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર, ૨૦૧૮ રહેશે., જ્યારે ઝોન કક્ષાના યુવા ઉત્સવ અંગેના પ્રવેશ પત્રો જે તે ઝોનના યુવા ઉત્સવ સમિતિના વડાને મોડામાં મોડા તારીખ ૨૦ ઓક્ટોબર, ૨૦૧૮ સુધીમાં મોકલી આપવાના રહેશે, એમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરની યાદીમાં જણાવાયું છે.

Share This Article