અમદાવાદ : રાજકોટને અડીને આવેલા ખંઢેરીમાં એઈમ્સની મંજુરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્ધારા એઈમ્સની અપાયેલી મંજુરી અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ એઈમ્સ મળતા હવે સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી લાંબુ થવું પડશે નહિ. અંદાજે રૂપિયા ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની બનનારી આ એઈમ્સનું કામ આગામી ચાર વર્ષમાં પુરૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માટે ઘણા સમયથી માંગ સાથે વિવાદ પણ રહ્યો હતો. જેમાં વડોદરા અને રાજકોટનાં સ્થળ વિવાદ સહીત જસદણની પેટાચૂંટણી વખતે પણ જાહેરાતનો વિવાદ થયો હતો. આમ છતાં વર્ષો બાદ સૌરાષ્ટ્રવાસીઓની માંગ સંતોષાતા રાજકોટમાં એઈમ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે કેન્દ્ર સરકાર દ્ધારા ગણતરીના દિવસોમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રોજેક્ટને મંજુરી પણ આપી દીધી છે. રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે ૨૦૦ એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવશે. અંદાજે રૂપિયા ૧૨૫૦ કરોડના ખર્ચે ૭૫૦ બેડની બનનારી આ એઈમ્સનું કામ આગામી ચાર વર્ષમાં પુરૂ કરવામાં આવશે. જેમાં એઈમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ એઈમ્સમાં નવી મેડીકલ કોલેજ શરૂ થવા સાથે નવા તબીબોની તબીબી સેવાઓ પણ મળશે.
આ એઈમ્સમાં ૨૦ સુપર સ્પેશ્યાલીટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર સહીત ઓપરેશનનો પણ થઇ શકાશે. આ એઈમ્સમાં બનનારી નવી મેડીકલ કોલેજમાં એમબીબીએસની ૧૦૦ તેમજ બીએસસી-ર્નસિંગની ૬૦ બેઠકો મળશે. જયારે ૭૫૦ બેડ સાથે ૧૫૦૦ દર્દીઓની ઓપીડીનો દર્દીઓને લાભ મળશે. એઈમ્સમાં ન્યૂરોસર્જરી,એન્જીયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, બાયપાસ, ની રીપ્લેસમેન્ટ, પેડીયાટ્રીક સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ એઈમ્સના કારણે સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લાના દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જીલ્લાનો સમાવેશ થાય છે. એઇમ્સની લીલીઝંડીને લઇ સમગ્ર સૌરાષ્ટ્ર અને તેની આસપાસના પંથકોના પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.