રાજકોટ : પ્રાણી ઉદ્યાનમાં સફેદ વાઘનાં ચાર બચ્ચાથી ઉત્સુકતા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે સફેદ વાઘણ અને તેના નાનકડા ચાર બચ્ચાં હાલ તો મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલય સત્તાધીશોએ સફેદ વાઘના બચ્ચાઓની તબીબી તપાસ અને અન્ય પાસાઓ ચકાસ્યા બાદ હવે તેઓને મુલાકાતીઓ અને નગરજનો માટે ઝુમાં પાંજરામાં તેની સફેદ વાઘણ માતા સાથે પ્રદર્શનમાં રમતા મૂકયા છે, જે જાઇ મુલાકાતીઓ ખાસ કરીને મહિલાઓ, બાળકો બહુ ખુશ અને આશ્ચર્યચકિત થઇ જાય છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલયમાં ગત તા.૨ એપ્રિલ,૨૦૧૯ના રોજ સફેદ વાઘણ ગાયત્રીએ સફેદ નર વાઘ દિવાકર સાથેના સંવનનથી ચાર સફેદ વાઘબાળને જન્મ આપ્યો હતો.

ચારેય સફેદ વાઘ બાળની ઝુ સત્તાવાળાઓએ ભારે માવજત અને કાળજી લીધી હતી અને તેઓને બહુ જ નીરીક્ષણ અને તબીબી તપાસ વચ્ચે ઉછેરવામાં આવ્યા હતા. જો કે, આ સફેદ વાઘ બચ્ચાઓની ઉંમર સાડા ત્રણ માસથી વધુ થઇ ગઇ હોઇ અને બહારના વાતાવરણ સાથે તેઓને સાનુકૂળતા માફક આવે તેમ હોઇ ઝુ ઓથોરીટીએ હવે પ્રાણીસંગ્રહાલયમાં આવતાં મુલાકાતીઓ માટે આ ચારેય સફેદ વાઘ બાળ પ્રદર્શનમાં મૂકાયા છે.  આ તમામ વાઘબાળ હાલ પુખ્ત થઇ ગયા છે અને વન્ય પ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂને પણ આપી શકાશે.

ઉલ્લેખનીય છે કે, ઝૂ ખાતે વર્ષ ૨૦૧૪માં સફેદ વાઘ દિવાકર, સફેદ વાઘણ યશોધરા અને ગાયત્રીને ભીલાઇ ઝૂ છતીસગઢ ખાતેથી વન્યપ્રાણી વિનિમય હેઠળ સિંહની એક જોડીનાં બદલામાં મેળવવામાં આવ્યાં હતા. હાલ રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘની સંખ્યા ૧૦ની થઈ ગઇ છે. જેમાં પુખ્ત નર-૧, પુખ્ત માદા-૫ તથા બચ્ચા-૪નો સમાવેશ થાય છે. હાલ રાજકોટ ઝુમાં જુદી જુદી ૫૩ પ્રજાતિઓનાં કુલ- ૪૦૮ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં આ સફેદ વાઘના ચાર બચ્ચાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

TAGGED:
Share This Article