રાજકોટ ગવરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ : તંત્ર સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું. એકબાજુ સમગ્ર રાજયમાં પાણીની ગંભીર તંગી અને જળસંકટ પ્રવર્તી રહ્યા છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. એટલું જ નહી, લાખો લિટર પાણી વહી ગયા બાદ પણ ૧૨ થી ૧૪ કલાક સુધી નર્મદાના સંબંધિત અધિકારીઓઓ ઘટનાસ્થળે ફરકયા સુધ્ધાં ન હતા, અને મોડે મોડે તેઓ ત્યાં આવ્યા હતા, જેને લઇને પણ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પમ્પીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા ૨૪ કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે. લાખો લીટર પાણીના વેડફાટથી રાજકોટના કોઠારિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે. પાઇપલાઇનમાંથી પાણી નીકળ્યા બાદ પાઇપલાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરાશે. પાણી સંપૂર્ણ નીકળી ગયા બાદ જ પાઇપલાઇન રિપેર થઇ શકશે. જીડબલ્યુઆઇએલના અધિકારીઓ દ્વારા ડી વોટરિંગ કરવામાં આવી રહ્યું છે. પમ્પિગ મશીનો મુકીને પાઇપલાઇનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે ૨૦ એમએલડી પાણી વેડફાઇ ગયું છે એટલે કે રાજકોટને સાતથી આઠ દિવસ પાણી આપી શકાય તેટલા પાણીનો બગાડ થયો છે. જે આસપાસના ખેતરોમાં વહી ગયું છે.

આ પાણીને કારણે જમીનનું ધોવાણ થયું છે. કોબીજનું વાવેતર નષ્ટ થઇ ગયું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણી વહીં જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા ૨૪ કલાકમાં રિપેરિંગ થઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ દાવા વચ્ચે બપોર સુધી નર્મદા કેનાલના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પણ પહોંચ્યા ન હતાં. બીજીબાજુ રાજકોટ કોર્પોરેશનનાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને તેમણે જણાવ્યું કે, આ વિસ્તારનાં પાણીની મર્યાદા અમારી હદમાં નથી આવતી. જેથી નર્મદા વિભાગનાં માણસો આવશે. ત્યારબાદ જ આ કાર્યવાહી આગળ વધશે. લગભગ ૩ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી રહી છે. સાથે જ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. જેના કારણે રતનપુર ગામનો રસ્તો બંધ ચૂક્યો છે.

અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, પાણીને કારણે થયેલ નુકસાન ભરપાઇ કરવામાં આવશે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તુષાર ધોળકિયાએ જણાવ્યું કે, રાત્રે દોઢ વાગ્યે જ અમને મેસેજ મળી ગયો હતો. અમારા અધિકારીઓ સતત સાઇટ પર જ હતા. સવારે ૧૦ વાગ્યે લાઇન ખાલી થઇ જતાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમારું પેટ્રોલિંગ ચાલુ જ હોય છે. પરંતુ કમનસીબે આવી ઘટનાઓ બનતી હોય છે. સાંજના ૬ વાગ્યા સુધી લાઇન રિપેર થશે. જ્યારે ૬થી ૧૦ દરમિયાન લાઇન ચાર્જ થશે અને ૧૦ વાગ્યાથી પાણીનો ક્વોટો શરૂ થઇ જશે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રીએ પણ કેનાલના ભંગાણનું તાકીદે રિપેરીંગ કામ પૂર્ણ થઇ જશે તેવી હૈયાધારણ આપી હતી.

Share This Article