રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તો લાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઠંડીના કારણે ઓછા મતદારો પહોંચ્યા હતા. તેલંગણામાં સવારે સાત વાગ્યા અને રાજસ્થાનમાં સવારે આઠ વાગે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ. સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્ય લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
બંને રાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ આજે મતદાન થઇ રહ્યુ છે. બંને રાજ્યોમાં મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. બંને રાજ્ય સહિત અન્ય ત્રણ રાજ્યમાં ક્યાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તે અંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જાણી શકાશે. એકબાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો પૈકીના મોટા ભાગના મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન કરવા નિકળ્યા હતા. તમામ મતદાન કેન્દ્રો પર તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી. છત્તિસગઢ, મિઝરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે .
છેલ્લા થોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગણમાં સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. રાજસ્થાનમાં મતદાનની શરૂઆતની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૨૨૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારોમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે બહાર નિકળી હતી. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. આજે સવારે મતદાનની શરૂઆત થવાની સાથે જ ૧૮૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટીએ તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે.
કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. જે પૈકી મોટા ભાગના મતદારો આજે સવારે મતદાન કરવા માટે નિકળ્યા હતા. તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી.તેલંગણામાં કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.આજે મતદાનની સાથે જ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતી રહેલી છે. જા કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. આશરે ૫૦ સીટો પર બળવાખોર ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.