ગીર-સોમનાથ: સમગ્ર સૈારાષ્ટ્રની સરખામણીએ ગીર-સોમનાથ જિલ્લામાં આજ દીન સુધી સાર્વત્રીક અને સંતોષકારક વરસાદ થયો છે. જિલ્લામાં ૧૦ દિવસ પહેલા વાવણીલાયક વરસાદ થયા બાદ વરસાદનો બીજો રાઉન્ડ પણ સમયસર અને જરૂરીયાત મુજબ થઇ ગયો છે.
ગીર-સોમનાથ જિલ્લામાં ૧૨ જુલાઇ સુધીમાં પડેલા વરસાદની વિગતો જોઇએ તો, વેરાવળ અને તાલાળા તાલુકામાં ૧૪ ઇંચ, સુત્રાપાડા ૧૭ ઇંચ, કોડીનાર તાલુકામાં સૈાથી વધુ ૨૨ ઇંચ, ઉના તાલુકામાં ૧૩ ઇંચ અને સુત્રાપાડા તાલુકામાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જે વાવણી બાદ પુરતો વરસાદ છે. જિલ્લાનાં નદી-નાળા, તળાવ અને ડેમમાં પણ પુરતા પ્રમાણમાં નવા નીર ઠલાવાયા છે.
હાલ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ ૧૭ જુલાઇ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના હોય જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન તળે તંત્રના અધિકારીઓને એલર્ટ રહેવા સાથે કન્ટીજન્સી એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે. ઉપરાંત કોઇ અનિચ્છીનીય બનાવ ના બને તે માટે કાચા મકાનો ધરાવતા લોકો, ઝુંપડા ધરાવતા લોકો, દરીયાકાંઠા અને વાડી વિસ્તારમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા સાથે જરૂર જણાય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા પણ જણાવાયું છે.