અમદાવાદ : દેશના ૭૩માં સ્વાતંત્રતા દિન અને ભાઈ બહેનના પવિત્ર દિવસ રક્ષાબંધનના પર્વની ઉજવણી સાથે-સાથે પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ગુરૂવાર સવારે છથી તે શુક્રવાર સવારે ૬ વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ પડ્યો છે અને પછી પણ બે ઇંચ પડતા કુલ આઠથી નવ ઇંચ જેટલો વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી મુક્યા હતા. હારીજ ખાતે દોઢ દિવસમાં આઠ ઈંચ વરસાદ પડતાં ત્રણ દરવાજાથી જલારામ પાર્ક સુધી પાણી ભરાયા હતા. જેમાં જલારામ પાર્કમાં રસ્તા પરના મકાનોમાં પાણી ઘરમાં ના ઘૂસે તે માટે લોકોએ પાળા કરવા પડ્યા હતા. જ્યારે બેચરાજી બાયપાસ રોડ ઉપર ભીલપુરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો, બાઇકચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સમગ્ર દિવસ દરમિયાનના સાધનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા, હસ્તિનાપુર, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. હસ્તિનાપુર રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. સોમનાથનગર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. હારીજ પંથકમાં ઠેર-ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જાવા મળ્યા હતા. રાજ્યમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહૌલ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ૧૫૫ મીમી અને મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૧૪૬ મીમી મળી બે તાલુકાઓમાં ૬ ઇંચ અને પાટણ જિલ્લાના હારીજમાં ૧૨૫ મીમી એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૯/૧૯ સવારે ૬/૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ખેડબ્રહ્મા તાલુકામાં ૧૧૦ મીમી, દાંતામાં ૧૦૮ મીમી, સિદ્ધપુરમાં ૧૦૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૪ ઇંચ જ્યારે અમીરગઢ તાલુકામાં ૮૯ મીમી ઉંઝામાં ૮૬ મીમી, મોડાસામાં ૮૨ મીમી, ભિલોડામાં ૮૦ મીમી,પાલનપુરમાં ૭૮ મીમી, ઇડરમાં ૭૩ મીમી, કોટડા સાંગાણીમાં ૭૨ મીમી મળી કુલ ૭ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડગામમાં ૬૯ મીમી, વિજયનગરમાં ૬૯ મીમી, માલપુરમાં ૬૫ મીમી, હિંમતનગર-વિજયનગરમાં ૬૩ મીમી, ડીસામાં ૬૨ મીમી, દાંતીવાડા-વડનગરમાં ૫૦ મીમી, વડાલીમાં ૫૪ મીમી, સમીમાં ૫૧ મીમી, પાટણ-લાખવડમાં ૫૦ મીમી, છોટાઉદેપુરમાં ૪૮ મીમી અને ખાનપુરમાં ૪૭ મીમી, મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચાલુ મોસકનો સરેરાશ વરસાદ ૮૬.૪૫ % જેટલો નોંધાયો છે જેમાં કચ્છ રિજીયનમાં ૧૦૨.૦૪ % ઉત્તર ગુજરાતમાં ૬૪.૨૦ %, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૧.૭૫ %, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૫ % અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૩૭ % જેટલો સરેરાશ વરસાદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , આજે સવારે ૬ થી બપોરના ૧૨/૦૦ કલાક દરમિયાન હારીજમાં૭૦ મીમી, એટલે કે બે ઇંચ જેટલો જ્યારે બેચરાજી, પાનલપુર, વડગામ, દીયોદર, વાંસદા અને દસાડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.