અમદાવાદ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર જોરદાર પલ્ટો આવ્યો છે. કેટલીક જગ્યાઓએ ગાજવીજ સાથે વરસાદ થયો હોવાના અહેવાલ પણ મળ્યા છે. બીજી બાજુ હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. આજે પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ અમદાવાદ, અંબાજી અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. જેના લીધે વાદળો વરસાદી ઘેરાયા હતા. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ ગયા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.
આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદ શહેરમાં ગઈકાલે રવિવારની સરખામણીમાં આજે સોમવારે તાપમાન ઘટીને ૧૧.૬ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ડીસામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. અહીં પારો વધીને ૧૭.૬ ડિગ્રી થયો હતો. પાટનગર ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી શકે છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવ્યા બાદ પાકને નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે.
રાજ્યના અન્ય કેટલાક વિસ્તારમાં પારો આજે ગગડી ગયો હતો.આજે અમદાવાદમાં સવારમાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો જ્યારે બીજી બાજુ બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં હાલ વરસાદ પડી ચુક્યો છે. બીજી બાજુ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવર્ષા પણ થઇ છે. પહાડી રાજ્યોમાં બરફની ચાદર હજુ પણ જાવા મળે છે. આવી સ્થિતિમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. તેની અસર પણ જાવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડીના લીધે રાત્રિ ગાળામાં હજુપણ રસ્તાઓ વહેલી તકે સુમસામ બની ગયા છે. ઠંડીમાં ઘટાડો થયો હોવા છતાં લોકો હજુ ગરમવસ્ત્રોમાં દેખાઈ રહ્યા છે.