અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. બીજી બાજુ હળવાથી મધ્યમ વરસાધી ઝાપટાનો દોર આગામી પાંચ દિવસ દરમિયાન જારી રહેવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ ઉપરાંત ખેડા, પંચમહાલ, દાહોદ, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં વરસાદી માહોલ અકબંધ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
અમદાવાદમાં હજુ સુધી ૪૭૦.૬ મીમી સુધીનો વરસાદ થયો છે જ્યારે ગુજરાતભરમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુજરાતભરમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુજરાતમાં મોનસુનની સિઝનમાં ૮૮ ટકાથી વધુ વરસાદ થઇ ચુક્યો છે. વરસાદી માહોલ જોરદારરીતે જામ્યા બાદ જળાશયોમાં પણ સારી સ્થિતિ થઇ ગઇ છે. કેવડિયા ખાતે નર્મદા ડેમે આજે ૧૩૩ મીટરની ઐતિહાસિક સપાટી પાર કરી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી ૨.૯૦ લાખ ક્યુસેક પાણીની આવક હાલ થઇ રહી છે. જેને પગલે ડેમના ૧૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદી પરનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેને કારણે બ્રિજ પરના વાહન વ્યવહાને બંધ કરી દેવામાં આવ્યો છે. અને ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.
નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નર્મદા ડેમમાંથી ૨ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એલર્ટવાળા વિસ્તારમાં લોકોને નહીં જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ આરબીપીએચ અને સીચપીએચના પાવર હાઉસ ચાલુ છે. નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધવાના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. ડેમમાં ઐતિહાસિક જળસપાટી નોંધાતાં સરકાર અને તંત્રની પાણીની ચિંતા મટી ગઇ છે. આખુ વર્ષ ચાલી રહે તેટલા પાણીનો જળસંગ્રહ નર્મદા ડેમમાં નોંધાતાં સૌકોઇએ રાહતનો દમ લીધો છે.