અમદાવાદ : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર અને તાપી જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ આજે દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાનો સિલસિલો જારી રહ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક થઇ હતી. પારો ગગડીને ૩૨.૩ સુધી નીચે પહોંચ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ગુજરાતના બાકીના ભાગમાં પણ આગળ વધી ગયું છે. ચોથી જુલાઈના દિવસે દક્ષિણ પશ્ચિમ મોનસુન વધુ આગળ વધી જતાં રાહત થઇ છે.
આજે બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. હળવાથી મધ્યમ ઝાપટા રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં પણ જારી રહેશે. રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી., મેઘરજમાં ૬૧ મી.મી., સુરત શહેરમાં ૫૯ મી.મી. અને મેંદરડામા ૫૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી, બાલાસિનોર, ચોર્યાસી મળી કુલ ૧૬ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૬.૫૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫.૮૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૩૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.