અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોરદારરીતે જામી ગયો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો. જુદા જુદા વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. ટ્રાફિક જામની પણ સ્થિતિજોવા મળી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વિસ્તારમાં બેથી ત્રણ વાગ્યાના ગાળામાં કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે પૂર્વ ઝોનના ઓઢવ વિસ્તારમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. વિરાટનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના પરિણામ સ્વરુપે શહેરમાં કુલ વરસાદનો આંકડો ૪.૩૪ ઇંચ સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, વરસાદી માહોલ અકબંધ રહેશે. સિઝનલ વરસાદનો આંકડો સતત સુધારો રહેશે.
બીજી બાજુ જુદા જુદા વિસ્તારમાં પડેલા વરસાદના કારણે કોર્પોરેશનના અધિકારીઓમાં પણ ભાગદોડ મચી ગઇ છે. પ્રિ-મોનસુન એક્શન પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા દાવા ખોટા પુરવાર થઇ રહ્યા છે. હાલમાં જ અમદાવાદ શહેરના નિચાણવાળા વિસ્તારોની સાથે સાથે તમામ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની પણ સ્થિતિ રહી હતી. લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા હતા.
આજે અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં પડેલા વરસાદ દરમિયાન તંત્રની ટીમ સક્રિય રહી હતી. જો કે, વરસાદના લીધે કોઇ રસ્તા કે અન્ડરબ્રિજને બંધ કરવાની ફરજ પડી ન હતી. વાહન વ્યવહારને પણ કોઇ અસર થઇ ન હતી. વરસાદી માહોલ આગામી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામી જતાં હવે છત્રી બજાર અને રેઇનકોટ માર્કેટમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભુવા પડવાના બનાવો પણ વધી ગયા છે. અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે. રોગચાળાના કારણે પણ તંત્ર સામે પડકાર રહેશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે તંત્રને સતત પગલા લેવા પડશે.