અમદાવાદ: રેલ્વે મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) એ તેના અમદાવાદ યુનિટ હેઠળના કામોના સંપૂર્ણ કમિશનિંગની જાહેરાત કરી છે, જે સ્વતંત્રતા બાદના ભારતના સૌથી મોટા રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧,૫૦૬ કિમી સુધી ફેલાયેલો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) હવે અમદાવાદના સાબરમતી ખાતેના અત્યાધુનિક ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર (OCC) દ્વારા સંચાલિત અને મોનિટર કરવામાં આવે છે. આ ફેસિલિટી સમગ્ર પશ્ચિમ રૂટ માટે ઓપરેશનલ નર્વ સેન્ટર તરીકે સેવા આપે છે.
એશિયામાં તેના પ્રકારની સૌથી મોટી, ૭૨ મીટર લાંબી કર્વ્ડ વિડિયો વોલ સાથે, આ સેન્ટર આખા નેટવર્કમાં તમામ ફ્રેઈટ ટ્રેનો, ઓવરહેડ પાવર સિસ્ટમ્સ અને ટ્રેકની સ્થિતિનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સક્ષમ બનાવે છે. હોટ એક્સલ ડિટેક્શન માટે ઓટોમેટેડ એલાર્મ્સ જેવી સંકલિત સુરક્ષા સુવિધાઓ તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપે છે, જેનાથી સુરક્ષિત ફ્રેઈટ ઓપરેશન્સ સુનિશ્ચિત થાય છે. આ ઉપરાંત, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર તેની સમગ્ર લંબાઈમાં કોઈ માનવરહિત લેવલ ક્રોસિંગ વિના કાર્યરત થનાર ભારતનો પ્રથમ કોરિડોર છે.
ડીએફસીસીઆઈએલ, અમદાવાદના ચીફ જનરલ મેનેજર મનીષ અવસ્થીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ ખાતેનું ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની હાર્ટબીટ છે. અહીંથી, અમે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લાંબી અને ઝડપી ટ્રેનોની અવરજવરનું સંચાલન કરીએ છીએ, ડબલ-સ્ટેક કન્ટેનર ઓપરેશન્સનું સંચાલન કરીએ છીએ અને ભારતના સૌથી વ્યસ્ત બંદરોને તેના ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડવામાં મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરીએ છીએ.”
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર નું લેટેસ્ટ માઈલસ્ટોન એ ન્યૂ સાણંદ કનેક્ટિવિટીનું કાર્યરત થવું છે. આ કનેક્ટિવિટી એક એન્જિનિયરિંગ અજાયબી અને વ્યૂહાત્મક જોડાણ છે, જેમાં ભારતના પ્રથમ મોટા પાયાના રેલ-ઓવર-રેલ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે, જે દેશના ચારેય ખૂણાઓ વચ્ચે સીમલેસ ફ્રેઇટ હેરફેર શક્ય બનાવે છે.
પાલનપુર-ન્યૂ મકરપુરા સેક્શનના ઉમેરા સાથે, ડીએફસીસીઆઈએલ હવે મુંદ્રા, કંડલા, ટુના, નવલખી અને પીપાવાવ જેવા મુખ્ય બંદરોને સીધા જ ડેડિકેટેડ નેટવર્ક સાથે જોડે છે, જેના કારણે પરિવહન સમય ૨૪-૩૬ કલાકથી ઘટીને ૧૨-૧૩ કલાકથી પણ ઓછો થઈ ગયો છે.
આ વિસ્તૃત કનેક્ટિવિટીથી વર્તમાન ભારતીય રેલવેના પેસેન્જર અને માલવાહક રૂટ પરની ભીડ ઓછી થશે, બંદર-બાઉન્ડ ટ્રેનો માટે અગાઉના એક ટ્રીપના સમયગાળામાં ૧.૫-૨ ટ્રીપ શક્ય બનશે, પાલનપુર, મહેસાણા, સાણંદ, વડોદરા, જામનગર અને તેની આસપાસના પ્રદેશોમાં ઉદ્યોગોને ટેકો મળશે, તેમજ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને સપ્લાય ચેઇનની વિશ્વસનીયતામાં સુધારો થવાની અપેક્ષા છે.
આ કોરિડોર MSME, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને સમય-સંવેદનશીલ ઉદ્યોગો માટે હાઈ-સ્પીડ કાર્ગો સેવાઓને પણ સમર્થન આપે છે, જેમાં ન્યૂ રેવાડી-ન્યૂ સાણંદ કનેક્ટિવિટી દ્વારા ૧૧ કલાકથી પણ ઓછા સમયમાં માલસામાનનું પરિવહન શક્ય બને છે, જેનાથી રસ્તાઓ પરની નિર્ભરતા ઘટે છે અને છેલ્લા માઇલ સુધીની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આ ઉપરાંત, તે પાલનપુરથી રેવાડી સુધી માત્ર દસ કલાકમાં ‘ટ્રક ઓન ટ્રેન’ (TOT) સેવા દ્વારા દૂધના ટ્રકોનું સંચાલન પણ સક્ષમ બનાવે છે.
આ ડેડિકેટેડ, ટાઈમ-બાઉન્ડ ફ્રેઈટ કોરિડોર ટ્રેડિશનલ રૂટ પર ટ્રાફિક ઓછો કરવા અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સના વિકાસને ટેકો આપવા માટે એક મોટું પગલું છે,” એમ શ્રી અવસ્થીએ ઉમેર્યું.
ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટ, જેમાં ૧,૩૩૭ કિલોમીટરનો ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (EDFC) અને ૧,૫૦૬ કિલોમીટરનો WDFC શામેલ છે, તેને ભારત સરકાર દ્વારા એક આઇકોનિક પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજની તારીખ સુધીમાં, કુલ ૨,૭૪૧ રૂટ કિલોમીટરમાંથી ૯૬.૪%નું કમિશનિંગ થઈ ચૂક્યું છે.