આઈટીએ અમદાવાદ, સુરત, મોરબી અને હિંમતનગર મળીને કુલ ૪૦ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી વધારે રોકડ ફાઈનાન્સર સંકેત શાહ, રુચિત શાહ અને દીપક શાહને ત્યાંથી ૧૦ કરોડ મળી આવી હતા. આ ઉપરાંત સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા રતન જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી રૂ. ૪ કરોડ રોકડા મળી આવ્યા હતા.
આઈટીના અધિકારીઓ દ્વારા ફાઈનાન્સરો ઉપરાંત સેજલ શાહના શિવરંજની ક્રોસિંગ પાસેના નિવાસ સ્થાને અને ઓફિસ બંને સ્થળોએ સર્ચની કાર્યવાહી યથાવત રહી હતી. આઈટીની ટીમ પાલડી સ્થિત ત્રણથી ચાર બ્રોકરોને ત્યાં દરોડા પાડવા માટે ગઇ હતી, ત્યારે આ ફાઇનાન્સરોએ તેમની પહોંચ કયા કયા સુધી છે તેમ જણાવીને અધિકારીઓને કાર્યવાહી ન કરવા અને જતા રહેવા જણાવ્યું હતું.
કંપનીના ડાયરેકટરો તગડો નફો રળતા હતા પરંતુ તેને ચોપડે બતાવતા નહોતા. બે નંબરના રૂપિયા તેઓ અન્યોને રોકડા આપી ચેકથી લીગલ એન્ટ્રીમાં ફેરવી લેતા હતા. બેન્કમાં આ વ્યવહારો મોટા પ્રમાણમાં થતાં આઈટીની નજર પડી હતી.ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ પર ઈન્કમટેક્સના સાગમટે દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. બીજા દિવસે આઇટીના અધિકારીઓને વધુ રૂ. ૫ કરોડ રોકડા મળી આવ્યા હતા.
જેમાં સુરત સ્થિત શેર બ્રોકર ચિરાગ મોઢના ત્યાંથી અધિકારીઓને રૂ. ૪ કરોડ રોકડા મળ્યા હતા. આ બે દિવસની કાર્યવાહીમાં ઇન્કમટેકસના અધિકારીઓને રૂ. ૧૫ કરોડ રોકડા, ૧૨ લોકર, અને પ્રોપર્ટીમાં રોકાણ કર્યાના દસ્તાવેજાે મળી આવ્યા છે.