રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી) યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની માર્ગદર્શિકામાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. હાલમાં જે શાળાઓમાં કેન્દ્ર સરકારની જલમતી યોજના હેઠળ આર.ઓ. પ્લાન્ટ આપવામાં આવેલ હોય તે સિવાયની સરકારી, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રાન્ટ ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં એટીવીટી યોજના અંતર્ગત શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટની યોજના માટે રૂા.૫૦,૦૦૦ અથવા આર.ઓ.પ્લાન્ટની અંદાજિત કિંમત બે માંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં આર. આર.ઓ. પ્લાન્ટના કામો હાથ ધરી શકાશે.
આ ઉપરાંત જાહેર કૂવાની પ્રોટેક્શન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેક્શન નેટના કામો રૂા.૫૦,૦૦૦/ની મર્યાદામાં, સ્મશાન ગૃહના કામો અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય), ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઇ.ડી. લાઇટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદો શેડ તેમજ ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો હાથ ધરી શકાશે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તાલુકા સરકારના અભિગમને સાકાર કરવા અને સમગ્ર રાજ્યમાં છેવાડાના લોકોનું જીવનધોરણ સુધારવા તથા તેમની મૂળભૂત જરૂરીયાતો જેવી કે ગ્રામ્ય આંતરીક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા જેવા પ્રશ્નો હલ કરવા તથા તાલુકાની તમામ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા કામોનું કોમન કન્વર્ઝન્સ હાથ ધરી, કામોનું ડુપ્લીકેશન / ઓવરલેપીંગ નિવારી જાણી શકાય તે હેતુથી વર્ષ ૨૦૧૧-૧૨ થી આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે માટે અલગ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવે છે.