અમદાવાદઃ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મગફળી મામલે કોંગ્રેસ મગરના આસું સારવાનું અને જુઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે. મગફળી ખરીદી કે કોઈ કૌભાંડ નથી પરંતુ ભાજપા સરકારની ખેડુતોના હિત માટેની ઉદાહરણરૂપ ઉત્તમ કામગીરી છે.
ગયા વર્ષે ગુજરાતમાં મગફળીનો મબલખ પાક થયો હતો ત્યારે બજારમાં મગફળીનો ભાવ ઘટીને ૬૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તહેવારો નજીક હતા તેથી ખેડુતો ચિંતિત હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા સરકારે મગફળી ખરીદીનો ઐતિહાસિક નિર્ણય લઈ બજાર ભાવ રૂપિયા ૬૦૦ હોવા છતાં ૯૦૦ રૂપિયાના ભાવે ખેડુતોની અંદાજે ૧૦ લાખ ટન મગફળીની ખરીદી કરી અને ૩૮૦૦ કરોડથી વધુ રૂપિયાની ચૂકવણી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં કરી ખેડુતોની ચિંતા દૂર કરી દીધી હતી. આ પૈકીની ૪.૫૦ લાખ ટન મગફળી રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને વેચી પણ દેવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારની ફરિયાદ આવી નથી. જે દર્શાવે છે કે, સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે પારદર્શકતાથી કરવામાં આવી છે. તેમ છતાંય ક્યાંય પણ કોઈપણ પ્રકારની ગેરરીતી કે બેદરકારી સામે આવશે તો તેની સામે કડકમાં કડક પગલા લેવા માટે સરકાર મક્કમ છે.
પેઢલા તથા માળીયા-હાટીના બાબતે જે ફરિયાદ મળી છે. તે અનુસંધાને રાજ્ય સરકારે તાત્કાલિક પગલાઓ લઈ ચાર લોકોની ધરપકડ પણ કરી છે. ભૂતકાળના આગ લાગવાના બનાવમાં પણ ધરપકડો થઈ છે અને તેની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા થઈ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશભરમાં પંચાયતની લઈ પાર્લામેન્ટ સુધી ખેડુતોએ અને દેશની જનતાએ કોંગ્રેસને જાકારો આપી દીધો છે. ત્યારે અકારણ આંદોલનો કરી, અરાજકતા ફેલાવવાના હીન પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે. ભૂતકાળમાં ખેડુતોને ગોળી વીંધી દેનારા લોકો, ખેડુતોના ઉભા પાક બાળી નાખનારા લોકો, આઝાદી બાદ વર્ષો સુધી ખેડુતોનું શોષણ કરી ખેડુતોને પાયમાલ કરી દેનાર લોકો આજે ખેડુતોના નામે માત્ર ને માત્ર રાજકીય નૌટંકી કરી રહ્યા છે. કોંગ્રેસે ભૂતકાળમાં ક્યાંય પણ કોઈપણ રાજ્યમાં આટલી મોટી ખરીદી ખેડુતો પાસેથી કરેલી હોય તો જાહેર કરે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ગુંડારાજ હતું, ખેડૂતો થરથર ધ્રુજતા હતા. ગામડાના લોકોની ફરિયાદ પણ પોલીસ લેતી નહોતી. કોંગ્રેસની સરકારમાં કોંગ્રેસના મંત્રીઓના બંગલા ગુંડાઓના આશ્રયસ્થાન બની ગયા હતા. ગામડાઓમાં રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુધ્ધ પાણી, વિજળી જેવી કોઈપણ પાયાની સુવિધાઓ પણ નહોતી. ભાજપાના શાસન અને કોંગ્રેસના શાસન વચ્ચેનો તફાવત ગુજરાતની જનતા સૂપેરે જાણી ચુકી છે. ગુજરાતની જનતા અને ખેડુતો શાણા અને સમજુ છે. તેથી જ છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસને સત્તાની બહાર રાખી છે. ત્યારે સત્તા વગર વલખાં મારતા કોંગ્રેસીઓ ઉપવાસના નામે નાટકો કરવાનું બંધ કરે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		