સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પર અતિભારે ફીનું ભારણ ન પડે અને ખાનગી શાળાઓ દ્વારા લેવાતી બેફામ ફીમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયત્નોને પરિણામે સમગ્ર દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય હશે જ્યાં ખાનગી શાળાઓમાં લેવાતી હયાત ફીમાં ઘટાડો થયો હોય. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓના જ હિતની ચિંતા કરે છે અને ખાનગી શાળા સંચાલકોના અનેક વિરોધ અને પ્રતિકાર છતાં પણ રાજ્ય સરકાર છેક સર્વોચ્ચ અદાલત સુધી પ્રભાવક લડત આપી રહી છે. આ મામલે વાલીઓએ સ્હેજ પણ શંકા સેવવાની આવશ્યક્તા નથી.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ફી નિયમન મુદ્દે પ્રભાવક અને કાનૂની લડતના પરિણામો પણ મળતા થયા છે. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજ્યના જે તે ઝોનની ફી નિયમન કમિટી દ્વારા જે તે શાળાની નક્કી કરવાની થતી કામચલાઉ એટલે કે પ્રોવીઝનલ ફીની જોગવાઇ અંતર્ગત અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિએ આ ઝોનમાં આવતી ૨૩૮ શાળાઓની કામ ચલાઉ ફી એટલે કે પ્રોવીઝનલ ફી નિયત કરાઇ છે. જે પૈકી ૧૧૬ શાળાની કામ ચલાઉ ફીમાં ઘટાડો કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે શાળાઓએ સંમતિથી ફી ઘટાડેલ છે તેવી ૫૭ શાળાઓએ અંદાજે રૂ.૪૦,૦૦૦ સુધીનો ઘટાડો કર્યો છે.
આ અંગેની જિલ્લાવાર વિગતો આપતાં શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ માત્ર કામ ચલાઉ ફી છે અને આની સામે જે શાળાને વાંધો હશે તે શાળા દિન-૭માં તે સમિતીને વાંધો રજૂ કરી શકશે. આવા વાંધા રજૂ થયેથી ૪ અઠવાડિયામાં ફી નિયમન સમિતી આખરી ફી નક્કી કરશે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા નામદાર સુપ્રિમ કોર્ટના ધ્યાને મૂકવામાં આવશે અને તે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશને આધિન રહેશે. રાજ્ય સરકાર ફી નિયમન મુદ્દે વાલીઓ વતી અને રાજ્યના વિદ્યાર્થીઓના જાહેર હિતમાં કાનૂની લડત લડી રહી છે.
અમદાવાદ ઝોન ફી નિયમન સમિતી દ્વારા જે ૧૧૬ શાળાઓની કામચલાઉ ફી ઘટાડાઇ છે તેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ૧૪ શાળાઓ (૫૦૫૯ વિદ્યાર્થીઓ), અમદાવાદ(ગ્રામ્ય)ની ૨૮ (૧૨૫૪૨ વિદ્યાર્થીઓ), ગાંધીનગરની ૨૮ શાળાઓ (૧૨૩૮૯ વિદ્યાર્થીઓ), સાબરકાંઠાની ૫ શાળાઓ (૮૦૯ વિદ્યાર્થીઓ), બનાસકાંઠાની ૯ શાળાઓ (૨૪૨૧ વિદ્યાર્થીઓ), પાટણની ૪ શાળાઓ (૨૩૧૭ વિદ્યાર્થીઓ), મહેસાણાની ૬ શાળાઓ (૫૫૮ વિદ્યાર્થીઓ, કચ્છની ૨૧ શાળાઓ (૮૩૨૮ વિદ્યાર્થીઓ) અને બોટાદની ૧ શાળા (૯૦ વિદ્યાર્થીઓ)ની કામ ચલાઉ (પ્રોવીઝનલ ફી) અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતી દ્વારા ઘટાડો કરીને નિયત કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ખાનગી શાળા સંચાલકો બેફામ ફી વસુલી ન શકે એ માટે રાજ્ય સરકારે કટ ઓફ ફીના ધોરણો નક્કી કર્યા અને જે શાળા સંચાલકો પોતાના તરફથી અપાતી સુવિધા કે શાળા-શિક્ષકોના રેશિયો સંદર્ભે વધુ ફી નું ધોરણ રાખવા ઇચ્છતા હોય એમણે પોતે લેવા ઇચ્છતા ફી નું વાજબીપણું ફી નિયમન કમિટિ સમક્ષ પુરવાર કરવું પડે એવી વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, એમ કહીને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળા સંચાલકોએ રાજ્ય સરકારના આ નિર્ણયનો અને ફી નિયમન કાયદાનો વિરોધ કર્યો છતાં રાજ્ય સરકારે વાલીઓના હિતમાં હિંમતપૂર્વક નિર્ણયને વળગી રહીને તેનો અમલ કર્યો છે. એટલું જ નહીં શાળા સંચાલકોએ રાજ્ય સરકારના આ નિર્ણય સામે અદાલતનો આશ્રય લીધો તો રાજ્ય સરકારે સારામાં સારા વકીલો અને નિષ્ણાંતોની સલાહ લઇને સતત ૩૨ દિવસ સુધી હાઇકોર્ટમાં લડત આપી અને આખરે નામદાર હાઇકોર્ટ રાજ્ય સરકારના નિર્ણય પર મંજૂરીની મહોર મારી અને સરકારના નિર્ણયનું સમર્થન કર્યું. રાજ્ય સરકારની વાલીઓના હિતમાં આ લડત જ તેની શુદ્ધ નિયતની સાબિતી આપે છે.