પ્રપોઝ ડે વેલેંટાઇન અઠવાડિયાનો બીજો દિવસ છે. પ્રેમસંબંધમાં જોડાયેલા નવા યુગલો માટે આ દિવસ અત્યંત મધુર અને મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે ગર્લફ્રેંડ અને બોયફ્રેંડ એકબીજાને પ્રેમ સ્વીકારવાનો પ્રસ્તાવ મૂકીને પોતાના નવા સંબંધની શરૂઆત કરે છે અને આના માટે તેઓ વિશેષ તૈયારીઓ કરે છે, આ દિવસ એવો યાદગાર બની જાય છે કે ઉંમરના એક અલગ પડાવ પછી પણ આપણા મનમાં તેની અલગ છાપ ઉભી રહી જાય છે.
ઘણાં લોકો પોતાના પ્રેમને ગુમાવી દેવાના ડર લીધે પોતાના ગમતા પાત્રની સામે પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા. ખૂબ જ નાજૂક પરિસ્થિતિ હોય છે જ્યારે તમે તમારા નજીકનાં કે જાણીતા પાત્રને પ્રેમનો એકરાર કરો. કેમકે આવી પરિસ્થિતિમાં મિત્રતા ખોઈ બેસવાનો પણ ડર રહેતો હોય છે. આથી આવી ખાસ પળને ખૂબ જ ધીરજ પૂર્વક વ્યક્ત કરવી જોઈએ.
કોઇ જાણીતા શાયરે કહ્યું છે કે,
“પ્યાર એક અહેસાસ હૈ,
જો કભી ભુલે ના ભૂલાયા જાય,
જિંદગી કો આંસમા સા રંગ દે,
ભંવરે કી ગુંજન મે ગુંજે,
ફૂલોકી ખુશબુ મેં મહેકે,
કાંટો પર ચલને કા દમ દે !!”
આજકાલ પ્રેમનો એકરાર ગુલાબ અથવા વીંટી આપીને કરવામાં આવે છે. અત્યારની પેઢીમાં અમુક યુવાઓ તો એટલા ઉત્સાહી હોય છે કે સીધે સીધું જ કોઇપણ જાતના ડર વિના પોતાના પ્રેમને “આઇ લવ યુ” અથવા “વિલ યુ મેરી મી ?” કહી દેતા હોય છે.
ગુલાબને પ્રેમ સંબંધની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે, ગુલાબ આપીને પ્રેમ સંબંધની શરૂઆત કરવામાં આવે છે. જેના લીધે પ્રેમી પંખીડાઓ હંમેશા ખુબ જ ખુશ ઉત્સાહી અને અમુક અંશે નર્વસ પણ હોય છે. આ રીતે પ્રેમી યુગલો એકબીજાને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. જેથી તેમના મધુર પ્રેમ સંબંધનો દામ્પત્યજીવનમાં પરિવર્તન થાય.
આ રીતે પ્રેમના આ તહેવારનું આખા સપ્તાહ દરમિયાન ઉજવણી ચાલે છે. દિલના તાર તો જોડાઇ જાય છે પણ આંખોની શરમ એ અહેસાસને વધારે પ્રેમાળ બનાવે છે. પ્રપોઝ કરવું એક પરિક્ષાના પરિણામથી પણ વધારે ડરાવે છે. પરિક્ષાનું પરિણામ તો એકસમયે સહન કરી લેવાય પણ પોતાના પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર બહુ જ અઘરો લાગે છે.
પ્રેમનો અહેસાસ એ બધા જ અહેસાસ કરતા અલગ અને યાદગાર હોય છે, જે ફકત આપવામાં જ માને છે સાચો પ્રેમ હંમેશા બીજાની ખુશીમાં જ ખુશ રહે છે.