અમદાવાદ: ઘરેલું ઝઘડા, પાડોશી વચ્ચેની તકરાર જેવી નાની-મોટી ફરિયાદોના તાત્કાલિક નિવારણ લાવવા માટે શહેરના વાસણા પોલીસ સ્ટેશને ખુલ્લા મેદાનમાં એક ઇમરજન્સી પોલીસ ટેબલ શરૂ કરી તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવાનો નવતર પ્રયોગ શરૂ કરીને અન્ય પોલીસ સ્ટેશનોને પણ રાહ ચીંધી છે. સામાન્ય રીતે કોઇ પણ પોલીસ સ્ટેશનમાં કોઇ વ્યકિતને ફરિયાદ કરવી હોય તો પહેલાં તેની અરજી લેવામાં આવે છે. પોલીસ સ્ટેશનનાં પીએસઓ ટેબલ પર ફરિયાદીને અરજી આપવાની હોય છે. ત્યારબાદ તે ફરિયાદીની અરજીને જે તે વિસ્તારની ચોકી પર ટ્રાન્સફર કરવામાં આવે છે. અરજી પહોંચે ત્યારે ચોકીના પીએસઆઇ કે પછી પોલીસ કોન્સ્ટેબલ તેમાં તપાસ કરે છે અને પછી કાયદેસરની કાર્યવાહી થાય છે.
ફરિયાદીની અરજીનો નિકાલ અવવામાં એક અઠવાડિયું, પંદર દિવસ કે પછી એક મહિનાનો પણ થઇ જતો હતો, જેના કારણે ફરિયાદી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનની સૌથી મોટી સમસ્યા આ જ રહી છે, જેના કારણે શહેરનાં વાસણા પોલીસ સ્ટેશનમાં કોઇ પણ ફરિયાદીને સમસ્યા ના થાય અને તેની ફરિયાદનો તાત્કાલિક નિકાલ આવે તે માટે પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. છાપરાવાળા આ વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.યુ.પરેવાએ ખુલ્લા મેદાનમાં એક ઇમરજન્સી પોલીસ ટેબલ શરૂ કરાવ્યું છે. આ ઇમરજન્સી પોલીસ ટેબલની ખાસિયત એ છે કે નાના-મોટા ઝઘડાનું નિવારણ તાત્કાલિક આવી જાય છે. પાણી ભરવા બાબતની બબાલ, પતિ-પત્ની વચ્ચેની તકરાર, ભાઇ-ભાઇ વચ્ચે પ્રોપર્ટીનો કકળાટ, બાળકો માટેનો ઝઘડો જેવી અનેક નાની-મોટી સમસ્યાઓનો નિકાલ આ ઇમરજન્સી પોલીસ ટેબલ પર થાય છે.
વાસણા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા બે પરિવાર વચ્ચે સિગારેટની રાખના મામલે થયેલો ઝઘડો વાસણા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જ્યાં ઇમરજન્સી પોલીસ ટેબલે તેનો ગણતરીના સમયમાં નિકાલ કરી દીધો હતો. એપાર્ટમેન્ટનાં પહેલાં માળે રહેતો એક યુવક સિગારેટ પીવાની ટેવ ધરાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી યુવક સિગારેટ પીને તેની રાખ નીચે મકાનની ઓસરીમાં નાખતો હતો. યુવકની આ હરકતોથી કંટાળીને મકાન માલિકે વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીનાં પગલે ઇમરજન્સી પોલીસ ટેબલ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક અરજીનો નિકાલ કર્યો હતો અને બન્ને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. ત્રણ મહિનાથી શરૂ થયેલા આ ઇમરજન્સી પોલીસ ટેબલમાં કુલ ૪૦૦ જેટલી ફરિયાદો આવી છે, જે પૈકી ૩પ૦ કરતાં વધુ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જે બહુ સરાહનીય અને પ્રેરણારૂપ વાત કહી શકાય.
આ ટેબલ પર એક એએસઆઇ અને એક કોન્સ્ટેબલ ફરજ બજાવે છે, જે તમામ ફરિયાદોમાં શાંતિપૂર્વક સમાધાન કરાવવાનો પ્રયત્ન કરે છે. છાપરાવાળું પોલીસ સ્ટેશન હોવાથી અને બેસવા માટેની યોગ્ય જગ્યા ન હોવાથી તેને ખુલ્લા મેદાનમાં શરૂ કરવામાં આવ્યું છે. ફરિયાદી અરજી કરવા માટે આવે ત્યારે તેણે પીએસઓ ટેબલ પર અરજી આપવી પડે છે અને ત્યારબાદ તરત જ તે અરજી સરકારી ચોપડે નોંધ થઇને ઇમર્જન્સી પોલીસ ટેબલ પર પહોંચી જાય છે. પોલીસ પહેલાં ફરિયાદીની પૂછપરછ કરે છે પછી જેનાં પર આરોપ છે તેને બોલાવીને પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ બન્ને જણાને ભેગા કરીને સમાધાન કરાવવામાં આવે છે. જો બન્ને પક્ષે સમાધાન થતું ના હોય તો સીઆરપીસી ૧પ૧ સુલેહ-શાંતિ ભંગ મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવે છે. અટકાયતી પગલાં ભર્યા બાદ પણ કોઇ નિકાલ ના આવે તો તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. આ મામલે એમ ડિવિઝનનાં એસીપી વી.જી.પટેલે જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સી.યુ.પરેવાએ આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે, જેને સફળતા પણ મળી છે. આગામી દિવસોમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રયોગ શરૂ કરવામાં આવશે.