વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ૧ નવેમ્બરે તેમણે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કર્યું હતું. આ આદિવાસી વિસ્તારમાં તેમણે રૂ. ૮૮૫.૪૨ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે શહીદોના નામ સાથે શાળાઓના નામકરણની પરંપરા શરુ કરી કારણ આવનારા બાળકોને ખબર પડે કે એમના પૂર્વજોએ કેવાં કાર્યો કર્યો હતાં. આદિવાસી પરિવારોએ પણ કલાકોની મહેનત કરી જહેમત ઉઠાવી મને પરિવર્તન લાવવાં સપોર્ટ કર્યો છે. મારી દીકરીઓ શાળામાં જાયને એટલા માટે બસોમાં ફ્રી પાસની સુવિધા પણ આપી. બે દશકમાં ૧૧ સાયન્સ કોલેજ ૧૧ કોમર્સ ૨૩ આર્ટસ કોલેજ અને સેંકડો હોસ્ટેલો શરુ કરી.
ગુજરાત સરકારે નક્કી કર્યુ છે આવનારા વર્ષોમાં એક લાખ કરોડ રુપિયા આ વિસ્તારમાં ખર્ચવાના છે. પીએમે કહ્યું હતું કે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જીન સરકારે ૧૪૦૦થી અધિક હેલ્થ અને વેલ્થ સેન્ટર આદિવાસી વિસ્તારમાં ઉભા કર્યા છે. ૨૪ કલાક વીજળી આપવાનું કામ પહેલાં ડાંગ જિલ્લામાં કર્યુ હતું. આઝાદીના આટલાં બધા વર્ષોથી ભાજપની સરકાર દિલ્હીમાં ન બની ત્યાં સુધી આદિવાસી માટે કોઈ મંત્રાલય પણ ન હતું, કોઈ બજેટ પણ ન હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો સંકલ્પ છે કે, યુવાનોને પઢાઈ, કમાઈ, ખેડૂતોને સિંચાઈ અને વડીલોને દવાઈની કચાસ ન રહેવી જોઈએ. એક થેલી ખાતર આખી દુનિયામાં ૨ હજાર રુપિયામાં વેચાય છે અને ભારતમાં ૨૬૦માં આપીએ છીએ. ૫૦૦ વર્ષોથી મારી કાળી માઁની કોઇએ ચિંતા ના કરી, ત્યાં ફરફર ધજા ફરકે છે. અમારી નિયત સાફ છે, અમે તમારા માટે ખપી જનારા લોકો છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાંબુઘોડામાં રૂ. ૫૨.૬૧ કરોડના ખર્ચે બનેલા ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ બ્લોક અને બે પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ તેઓ ગોધરા મેડિકલ કોલેજ અને કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના રૂ. ૬૮૬ કરોડના પ્રોજેક્ટનું સાથે ગોધરા કેન્દ્રિય વિદ્યાલયના બિલ્ડિંગના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કર્યું હતું. સાથે જ રૂ. ૧૨૨.૧૮ કરોડના જીજીયુના વિવિધ એકેડેમિક બ્લોક બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વડાપ્રધાને ગત વર્ષે ગ્લાસગોમાં યોજાયેલા સીઓપી૨૬ સંમેલનમાં લાઈફસ્ટાઈલ ફોર એનવાયર્મેન્ટ ના વૈશ્વિક આંદોલનની જાહેરાત કરી હતી અને આંતરરાષ્ટ્રીય જન સમુદાયને એલઆઈએફઈ ને આંતરરાષ્ટ્રીય આંદોલન તરીકે દોરી જવાની હાકલ કરી હતી.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૃથ્વીને બચાવવા માટે રિડ્યુસ, રિયુઝ અને રિસાઈકલના સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને ગોવિંદગુરુ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો ર્નિણય લીધો છે. ગોવિંદગુરુ યુનિવર્સિટી આઈજીબીસી પ્રમાણિત ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી હશે. આ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક વધુ સારી ઈન્ડોર એન્વાયરમેન્ટ ક્વૉલિટી સાથે એનર્જી અને વોટર એફિશિયન્ટ બિલ્ડીંગ હશે જેનાથી, ઓપરેશન ખર્ચમાં ૩૦-૪૦ ટકા સુધીનો ઘટાડો થશે. આ પ્રોજેક્ટ દ્વારા ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓ, ૧૫૦૦ પ્રોફેસરો, ૮૩૮ પીએચડી વિદ્યાર્થીઓ, ૨૩૯ કોલેજો અને ૮ ભવનને લાભ થશે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદો રાજા રૂપસિંહ નાયક અને સંત જોરીયા પરમેશ્વરની યાદમાં તેમના વતન દાંડીયાપુરા અને વડેક ગામની પ્રાથમિક શાળાઓને આ શહીદોના નામ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત, જાંબુઘોડાથી ૮ કિમી દૂર વડેક ગામ ખાતે સંત જોરિયા પરમેશ્વરની સ્મારક પ્રતિમા અને જાંબુઘોડાથી ૧૦.૫ કિમી દૂર દાંડિયાપુરા ગામમાં શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમા પણ બનાવવામાં આવી છે. જેમનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તાલુકાના પ્રવાસનને વેગ મળે તે માટે શાળાઓના વિકાસ તથા શહીદોની સ્મૃતિમાં ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શહીદોની ગાથાનું વર્ણન, ગ્રીન ગ્રાસ પાથ-વે, ઈકો ફ્રેન્ડલી ગાર્ડન, આઉટડોર સિટીંગ ફેસીલીટી વગેરેનું નિર્માણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં યુવાનોને સ્કિલ સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું કેમ્પસ શીલજ ખાતે ૫૫ હજાર ૮૧૬ ચોરસ મીટરની જમીનમાં વિકસાવવામાં આવશે. વધુમાં, આ યુનિવર્સિટી દ્વારા આગામી ૧૦ વર્ષમાં ૩ લાખ યુવાનોને તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરવાનું ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપ, ઓન ધ જોબ તાલીમ અને પ્લેસમેન્ટની તક આપવામાં આવશે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનાને કારણે પંચમહાલ જિલ્લાના લોકોને તેમના જ જિલ્લામાં આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહેશે. જિલ્લાના યુવાનોને એમબીબીએસમાં પ્રવેશ મેળવવાની તક મળશે સાથે જ આધુનિક હોસ્પિટલ સ્થપાવાથી વસ્તીના રેશિયોની સામે ડોક્ટરોની અછત ઘટશે. આ હોસ્પિટલ ૨૦ એકર જમીન પર બંધવામાં આવશે, જેમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ૧૦૦ બેઠકો હશે.