નવીદિલ્હી : ક્વાડ (Quadrilateral Security Dialogue)ના નેતાઓએ જાપાનની રાજધાની ટોક્યોમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ક્વાડ મીટિંગમાં સામેલ તમામ નેતાઓએ સર્વસંમતિથી ચીનને કડક સંદેશ આપ્યો હતો. ક્વાડ જૂથે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ દેશ બીજા પર પ્રભુત્વ મેળવી શકે નહીં. આ નિવેદન દ્વારા ક્વાડ દેશોએ ચીનની વધતી આક્રમકતા અને પ્રભાવને પડકાર્યો છે. ક્વાડમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ તમામ દેશો ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે એક થઈ રહ્યા છે. ચીન ઈન્ડો-પેસિફિકમાં સતત પોતાનો હિસ્સો વધારી રહ્યું છે.
ક્વાડ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જાેઈએ અને પ્રદેશની શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારની એક પક્ષીય કાર્યવાહીથી દૂર રહેવું જાેઈએ. આ સંદર્ભમાં, ક્વાડે ચીનની ગતિવિધિઓ પર સીધુ સંબોધન કરીને તેનું કડક વલણ દર્શાવ્યું. ક્વાડના આ નિવેદન પાછળ ચીનની વધતી આક્રમકતા અને તેનું વિસ્તારવાદી વલણ છે. ચીને તાજેતરના વર્ષોમાં દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં તેની સૈન્ય હાજરી વધારી છે. આ સિવાય ચીને તાઈવાન અને અન્ય પડોશી દેશો સામે પણ આક્રમક પગલાં લીધા છે. ચીનની આ આક્રમકતાથી માત્ર પ્રાદેશિક શાંતિ જ જાેખમમાં નથી આવી પરંતુ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા ઉપર પણ સવાલો ઉભા થયા છે.
ક્વાડમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા જેવા દેશો છે, તેની શરૂઆત ૨૦૦૭માં થઈ હતી. ક્વાડની રચનાનો હેતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. જાે કે શરૂઆતમાં તેને વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીનની આક્રમક નીતિઓને કારણે ક્વાડની ગતિવિધિઓ વધી છે. ચારેય દેશો મળીને ઈન્ડો-પેસિફિકમાં સ્વતંત્રતા, લોકશાહી અને શાસન આધારિત વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બેઠકમાં, ક્વાડ સભ્યોએ સૈન્ય, આપત્તિ વ્યવસ્થાપન, રસી અને સાયબર સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા અને આર્થિક સહયોગ બેઠકના મહત્વના મુદ્દા હતા.