શહેરમાં આજ રોજ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંગીતકાર શ્યામ સિધાવતના પરિવાર તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની ધર્મપત્ની શ્રીમતી ઋતુ સિધાવતએ તેમના પતિ અને હાર્દિલ પંડ્યા વચ્ચે ચાલતા વિવાદ સંબંધિત મુદ્દાઓ અંગે પોતાની વાત રજૂ કરી હતી.
શ્રીમતી ઋતુએ જણાવ્યું કે સંબંધિત બંને પક્ષો વર્ષ 2022થી પરસ્પર ઓળખ ધરાવે છે. તેમના નિવેદન અનુસાર, આ સમયગાળા દરમિયાન કેટલીક સેવાઓ બાબતે ગેરસમજ ઊભી થઈ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં જાહેરમાં રજૂ થઈ રહેલા કેટલાક દાવાઓ તેમની દૃષ્ટિએ તથ્યોથી વિરુદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં થયેલી એક ઘટનામાં જાહેર સ્થળે અયોગ્ય ભાષા અને વર્તન થયાનું તેઓ દાવો કરે છે, જેને તેઓ સામાજિક રીતે અયોગ્ય ગણે છે. સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર પ્રસરી રહેલા એકતરફી નિવેદનો અંગે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આવી બાબતો કલાકારની વ્યક્તિગત તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠા પર અસર કરી શકે છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રીમતી ઋતુ સાથે તેમના કાનૂની પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. વકીલે જણાવ્યું હતું કે મામલો કાયદેસર પ્રક્રિયા હેઠળ છે અને સંબંધિત તમામ મુદ્દાઓ અંગે જરૂરી પોલીસ તપાસ અને દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આગળની કાર્યવાહી કાયદાની જોગવાઈ મુજબ કરવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ જાહેરમાં ચર્ચાઈ રહેલા મુદ્દાઓ અંગે પરિવાર તરફથી પોતાનું સ્પષ્ટીકરણ રજૂ કરવાનો હતો, તેમ જણાવવામાં આવ્યું.
