અમદાવાદ: ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી જેલના સંયુકત ઉપક્રમે છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં કેદીઓના અભ્યાસ અને રોજગારલક્ષી તેમજ કલા સંબંધી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, ગાંધીજીની ૧૫૦મી જયંતિ નિમિત્તે નવજીવન ટ્રસ્ટ દ્વારા તા ૧૫મી ઓકટોબરથી પત્રકારત્વ અને પ્રુફ રીડીંગનો એક વર્ષનો ડિપ્લોમાં અભ્યાસક્રમ શરૂ કરવાનો ઐતિહાસિક અને પ્રેરણારૂપ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અભ્યાક્રમમાં હાલ ૨૦ કેદીઓની પસંદગી કરવામાં આવી છે. કેદીઓને અભ્યાસની સાથે રોજગારી પણ મળે તેવી વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે. જે કેદીઓ પ્રુફ રીડીંગનું કામ શીખી જાય તેને નવજીવન ટ્રસ્ટ પોતાના પ્રકાશનોનું પ્રુફ રીડીંગનું કામ પણ આપશે જેના કારણે કેદીઓને શિક્ષણની સાથે રોજગારી પણ મળશે. કેદીઓને જેલના નિયમ પ્રમાણે પગાર પણ ચુકવવામાં આવશે.આ અંગે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ ગાંધીજી ૧૫૦મી જયંતિ ઉજવી રહી છે તેના અનુસંધાનમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ સૌપ્રથમવાર તા.૧૫મી ઓકટોરબરથી જર્નાલીઝમનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ શરૂ કરાઇ રહ્યો છે.
આ ડિપ્લોમા અભ્યાસક્રમ જેલના કેદીઓને જીવનમાં એક નવી જ દિશા અને માર્ગદર્શન પૂરો પાડશે. તેઓ સ્વનિર્ભરતાની સાથે સાથે પત્રકારત્વના મૂલ્યોને જાણી એક નવી રાહ પર આગળ ધપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગાંધીજયંતિની ઉજવણીના ભાગરૂપે સાબરમતી જેલમાં તા ૨૦ સપ્ટેમ્બરથી તા.૫ ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, આ દિવસો દરમિયાન કેદીઓને મહાત્મા ગાંધીના જીવન આધારીત ફિલ્મ દર્શાવવા ઉપરાંત ગાંધી ખોલી જયાં ૧૯૨૨માં મહાત્મા ગાંધીએ કારાવાસ ભોગવ્યો હતો ત્યાં રોજ કેદીઓ ગાંધીના પ્રિય ભજન પણ કરતા હતા, આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ પીઠના માસ્ટર ઓફ સોશીયોલોજીના ૩૨ વિદ્યાર્થીઓ અને બે પ્રાધ્યાપકોએ સાબરમતી જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે સંવાદ કરી કેદીના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો હતો, આ જ પ્રકારના કાર્યક્રમો સાબરમતી જેલની મહિલા જેલમાં પણ થયા હતા.
કેદીઓનું શિક્ષણ અને સમજનો વિકાસ થાય તે માટે કેટલાંક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સરદાર પટેલના કારાવાસ અંગે મણિભાઈ પટેલનું પ્રવચન પણ રાખવામાં આવ્યુ હતું, કેદીઓ પોતાની બીમારીને ઓળખે અને વ્યસન મુકત થાય તે માટે નિસર્ગોપચાર માટે મુકેશ પટેલ દ્વારા કેદીઓ સાથે સંવાદ કર્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક અને સમાજશાસ્ત્રી દ્વારા રાજય સરકારે ગાંધી જંયતિ નિમિત્તે મુકત કરેલા ૧૪ કેદીઓ સાથે સંવાદ કર્યો હતો અને હવે નવી જીંદગીની શરૂઆત કેવી રીતે કરશો તે અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સાબરમતી જેલના સુપ્રીટેન્ડન્ટ ડો. મહેશ નાયક દ્વારા પણ કેદીઓની સમસ્યા સમજી જેલની બહાર જઈ રહેલા કેદીઓને પોતાના પરિવાર અને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તેની સમજ આપી હતી. આ ઉપરાંત ખાસ સ્વચ્છતા ઝુબેશ પણ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર જેલની સફાઈ- રંગરોગાન અને સ્ટાફ કવાર્ટરમાં પણ સફાઈ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ કેદીઓ માટે લેવામાં આવતી ગાંધી વિચાર પરીક્ષા તા ૨ ઓકટોબરના રોજ લેવામાં આવી હતી, જેમાં ૮૬ પુરૂષ કેદીઓ અને ૧૩ મહિલા કેદીઓએ પરીક્ષા આપી હતી, કેદીઓને પરિક્ષા આપતા જોઈ જેલના અધિકારીઓએ પણ ગાંધી પરીક્ષા આપવાની તૈયારી બતાડી છે, ચાલુ માસમાં પહેલી વખત હવે જેલના અધિકારીઓ પણ ગાંધી પરિક્ષા આપશે.
ઓકટોબર મહિનામાં લાયન્સ કલબ અમદાવાદના સહયોગથી પેઈન્ટીંગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નામાંકિત ચિત્રકારો કેદીઓને તાલીમ આપશે અને ત્યારબાદ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઈન્ટીંગનું નવજીવન ટ્રસ્ટ ખાતે પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે તેના દ્વારા પણ કેદીઓ રોજગારી મેળવશે.