છેલ્લા ૧૮ કલાકમાં કુલ ૧૧૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ૩ ઇંચ નોંધાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૪ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી. તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આગાહી પ્રમાણે, આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
છેલ્લા ૧૮ કલાકમાં રાજ્યના કુલ ૧૧૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો, બનાસકાંઠાના દાંતામાં ૩ ઇંચ, વલસાડના કપરાડામાં ૨.૪ ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ૧.૬ ઇંચ વરસાદ, અમદાવાદના ધંધુકામાં ૧.૫૨ ઇંચ, બોટાદના રાણપુર, નર્મદાના નાંદોદ, બનાસકાંઠાના ધનેરા, અમદાવાદમાં, તાપીના વ્યારા, મહેસાણાના સલતાસણા, બોટાદ, સોનગઢ, સાબરકાંઠાના વડાલી, નર્મદાના ડેડિયાપાડામાં ૧ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં થોડા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.
હવે ૪ ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ શહેરમાં બુધવારની સાંજે એક કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સરદારનગર, નોબલનગર, કોતરપુર વિસ્તારમાં ૪૦ મિનિટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બોડકદેવ, એસજી હાઇવે, પકવાન, જજીસ બંગલો, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ઓઢવ, વિરાટનગર, કઠવાડા, નિકોલ, નરોડા, આશ્રમ રોડ, પાલડી, વાસણા, વાડજ, ઇન્કમટેકસ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. બાકીના વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેણુ ૨ ડેમમાં ધીમી ધારે નવા નીરની આવક થતાં વેણુ ૨ ડેમ ૧૦૦ % ભરાયો છે. ઉપલેટાના ગઘેથડ ગામ પાસે આવેલા વેણુ ૨ ડેમ ૧૦૦ % ભરાયો છે. વેણુ ૨ ડેમની સપાટી રૂરલ લેવલની સપાટી ૫૪.૦૦ મીટર થઇ છે. જ્યારે ઉપરવાસમાં પાણીની આવકને પગલે હાલની ડેમ સપાટી ૫૪ મીટર પહોંચી છે. વેણુ ૨ ડેમ ૧૦૦ % ભરાતા ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવામાં આવે તેવી શક્યતાને કારણે ડેમ સાઈટના વિસ્તાર ગઘેથડ, વરજાગજાળીયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામોને નદીના પટમા અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા ડેમ સાઈટ ઈજનેર તેમજ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.