ફૈજાબાદ: અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપીના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ આજે કહ્યું હતું કે હવે આગામી આંદોલન રામ મંદિર નહીં તો વોટ નહીંના નારા સાથે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સરયુ તટ ઉપર સભાની મંજુરી ન મળી હોવા છતાં પ્રવિણ તોગડિયા સભા કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ સમર્થકોને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા ૩૨ વર્ષથી સંઘ, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ એક જ મુદ્દાને લઈને રામ મંદિરનું આંદોલન ચલાવી રહ્યા હતા.
સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિર બનાવવામાં આવે પરંતુ હજુ સુધી આ કામગીરી હાથ ધરી શકાઈ નથી. હવે જ્યારે આ લોકો પૂર્ણ બહુમતિ સાથે સત્તામાં પહોંચ્યા છે ત્યારે રામ મંદિરના દર્શન કરવા માટે પણ આવતા નથી. તોગડિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હીમાં ૫૦૦ કરોડના ખર્ચે ભાજપ ઓફિસ બનાવવામાં આવી છે પરંતુ રામ લલ્લા આજે પણ ખરાબ હાલતમાં છે. તોગડિયાએ પ્રદેશ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે અમને અયોધ્યામાં રહેવાથી રોકવામાં આવી રહ્યા છે. અમારા સમર્થકોના ભોજન સાથે લાદવામાં આવેલી ટ્રકોને રોકવામાં આવી રહી છે. આ પ્રકારની ઘટનાઓ મુલાયમસિંહના શાસનમાં થઈ હતી. પ્રવિણ તોગડિયાએ કેન્દ્ર સરાકર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર લખનૌમાં બાબરી મસ્જિદ બનાવવા જઈ રહી છે.
રામ મંદિરનું વચન હજુ અધુરૂ રહ્યું છે. તોગડિયાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપતાની સાથે સાથે હવે ભાજપને કોંગ્રેસયુક્ત બનાવી દેવામાં આવી છે. કોંગ્રેસના ખરાબ લોકો જેમને ત્યાં કોઈપણ જતા નથી અને તેમની કોઈ લોકપ્રિયતા નથી તેમને ભાજપમાં લવાયા છે. ભાજપના મૂળભૂત લોકો રામ મંદિરના નિર્માણના સપનાને જાઈને આગળ વધી રહ્યા છે. પ્રવિણ તોગડિયા છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે અને તક મળતાની સાથે ભાજપ સરકારની ટીકા કરી રહ્યા છે.