એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા મહાત્મા ગાંધીને કેન્દ્રમાં રાખી સીરિઝ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં મહાત્મા ગાંધી અને ભારતની આઝાદીના સમયગાળાને આવરી લેવામાં આવશે. આ માટે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા દ્વારા લખાયેલા ‘ગાંધી’ પરના બે સૌથી નિર્ણાયક પુસ્તકોના અધિકારો મેળવવામાં આવ્યા છે. જ્યારે મહાત્મા ગાંધીની ભૂમિકા માટે પ્રતિક ગાંધીને કાસ્ટ કરવામાં આવ્યો છે.
દરેક ભારતીય જાણે છે કે, ગાંધી સત્ય, પ્રેમ, અહિંસા અને લોખંડી સંકલ્પને વરેલા હતા. તેઓ મહાન નેતા અને શાંતિનું પ્રતીક હતા. મહાત્માએ પોતાના અસાધારણ કાર્યોથી ભારતીય ઇતિહાસની દિશા બદલી હતી અને સમગ્ર વિશ્વમાં અનેક નેતાઓ પર પ્રભાવ પાડ્યો હતો. આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના દ્રષ્ટિકોણથી ભારતીય સ્વતંત્રતાના સમયગાળાને જીવંત બનાવવા આદિત્ય બિરલા ગ્રુપની એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટે ગાંધીના જીવન પરની બાયોપિકની જાહેરાત કરી છે.
આ સીરિઝ પ્રખ્યાત ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ગાંધી બિફોર ઇન્ડિયા અને ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડના આધારે બનાવવામાં આવશે. આ સિરીઝનું પ્રોડક્શન વર્લ્ડ વાઇડ પ્રેક્ષકો માટે વૈશ્વિક સ્ટાન્ડર્ડ પર કરવામાં આવશે અને ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ શૂટ થશે. આ સીરિઝમાં ગાંધીના શરૂઆતના દિવસો તથા દક્ષિણ આફ્રિકામાં તેમના કાર્યોથી લઈને ભારતના સંઘર્ષ સુધી જીવનની ઓછી જાણીતી વાર્તાઓને વર્ણવાશે.
યુવાન ગાંધીને મહાત્મા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પરિસ્થિતને પણ આવરી લેવામાં આવશે અને સ્વતંત્રતા ચળવળના સમકાલીનો, અવિશ્વસનીય વ્યક્તિત્વોની કથા પણ જાેવા મળશે. આ બાબતે એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના સીઇઓ સમીર નાયરે જણાવ્યું હતું કે, રામચંદ્ર ગુહા શ્રેષ્ઠ ઇતિહાસકાર અને વાર્તાકાર છે, અને અમે તેમના ક્લાસિક પુસ્તકો ગાંધી બિફોર ઇન્ડિયા અને ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડને સ્ક્રીન પર રૂપાંતરિત કરવા બદલ સન્માન અનુભવીએ છીએ.
મહાત્મા અને તેમની શાંતિ તથા પ્રેમની ફિલસૂફીને જીવંત કરવા અમે પ્રતિક ગાંધી સિવાય બીજા કોઈ વિશે વિચારી શકીએ તેમ નહોતા. આ વર્લ્ડવાઇડ પ્રેક્ષકો માટે આધુનિક ભારતના જન્મની વાર્તા છે. પ્રખ્યાત ઇતિહાસકાર અને જીવનચરિત્ર લખનાર રામચંદ્ર ગુહાએ કહ્યું કે, ગાંધીજીના કાર્યથી વિશ્વમાં પરિવર્તન આવ્યું છે અને તેમનો વારસો હજી પણ સૌથી ચર્ચાઓને જન્મ આપે છે. તેમનું જીવન મહાન કથા હતું. જે ભારત, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા એમ ત્રણ મહાન દેશોમાં પથરાઈ હતી. તેઓ સ્વતંત્રતા અને વંચિતોના હક્કો માટે લડ્યા હતા.
આ સફરમાં તેમણે ઘણા મિત્રો અને થોડા દુશ્મન પણ બનાવ્યા હતા. મને આનંદ છે કે, ગાંધી પરના મારા પુસ્તકો હવે એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી અને આકર્ષક શ્રેણી માટે સ્વીકારવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે તે ગાંધીના જીવનની જટિલ રૂપરેખા અને તેમના ઉપદેશોના નૈતિક સારને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડશે. આ સીરિઝ અંગે પ્રતિક ગાંધી કહે છે કે, હું સાદગીને શુદ્ધ સ્વરૂપોમાં પ્રતિબિંબિત કરતી ગાંધીવાદી ફિલસૂફી અને તેમનાં મૂલ્યોમાં ઊંડો વિશ્વાસ ધરાવું છું.
વ્યક્તિગત રીતે પણ હું તેમના ઘણા ગુણો અને ઉપદેશોને મારા જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરું છું. મહાત્માની ભૂમિકા ભજવવી એ મારા થિયેટરના દિવસોથી જ મારા હૃદયની ખૂબ જ નજીક છે અને હવે ફરીથી મહાત્માની ભૂમિકાને પડદા પર ભજવવી સન્માનની વાત છે. આ ભૂમિકાને ગૌરવ અને વિશ્વાસ સાથે ભજવવી એ એક મોટી જવાબદારી છે. હું સમીર નાયર અને એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટમાં તેમની ટીમ સાથે આ સફર માટે ઉત્સુક છું.