હેલો દોસ્તો,
હેપ્પી ન્યૂ યર અને હેપ્પી દિવાલી…. નવા વર્ષની શુભ શરૂઆતમાં હું આપનો દોસ્ત આદિત શાહ લઈને આવી રહ્યો છું, આપના માટે એક નવી કોલમ, જેમાં આપણે જાણીશું પ્રેમસંબંધની મંજિલ સુધીની સફરના પાંચ પડાવો વિશે.
દોસ્તો, દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો જીવનમાં કોઈની સાથે પ્રેમમાં પડે જ છે પછી ચાહે એ કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ. પ્રેમ એ કોઈ શબ્દ નથી, એ તો એક અભિવ્યક્તિ છે. એની કોઈ વાચા નથી, એ તો સમગ્ર કથા છે. એ માત્ર કોઈ સામાન્ય રવ નથી, એ તો પ્રણયનો પગરવ છે – એવો પગરવ, જે છૂપી રીતે આવે છે, મનમાં એક છૂપી લાગણીના અંકુર રોપી જાય છે અને પછી શરૂ થાય છે એ વ્યક્તિ કે વસ્તુના પ્રેમને પામવાની સફર. એક એવી સફર, કે જેની મંજિલ તો નિશ્ચિત છે પણ એ નિશ્ચિત નથી કે એ મંજિલ પ્રાપ્ત થશે કે નહિ. કારણ કે આ સફર એવી છે કે એ ત્યારે જ સંપૂર્ણ થાય છે જ્યારે બંને વ્યક્તિ તરફથી સમાન પ્રયાસ હોય.
તો ચાલો જાણીએ એક અપેક્ષાહીન મંજિલની સફરના પાંચ પડાવો પૈકી પ્રથમ પડાવ વિશે. પ્રણયના પગરવનો પહેલો પડાવ – એકતરફી પ્રેમ. વ્યક્તિને હકીકત કરતાં કલ્પનામાં રાચવામાં એક અનહદ આનંદની પ્રાપ્તિ થતી હોય છે. આખરે મૃગજળની સુંદરતા હોય છે જ એવી કે ભલભલા હોંશિયાર પણ ભટકી જાય. એકતરફી પ્રેમ જેટલો પવિત્ર છે એટલો જ ખતરનાક કારણ કે એકતરફી પ્રેમમાં વ્યક્તિ સચ્ચાઈ સ્વીકારી શકતો નથી.
હમણાં જ એક મિત્રને એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનો એક નાનો વિડિયો મોકલ્યો, જેમાં શાહરૂખ ખાન રણવીરસિંહને એકતરફી પ્રેમની તાકાત વિશે જણાવી રહ્યો હોય છે, અને રણવીરના જવાબની તો ખબર નહિ પરંતુ એ મિત્ર એ જે જવાબ આપ્યો એ પછીથી એક વાતમાં વિશ્વાસ બેસી ગયો કે પ્રેમસંબંધ ત્યારે જ સફળ બની શકે છે જ્યારે પ્રેમરૂપી રથના બંને પૈડાં એકસાથે આગળ વધે. એ મિત્રનો જવાબ હતો – દોસ્ત, આ બધા ડાયલોગ ફક્ત મૂવીમાં જ સારા લાગે છે. હકીકતમાં તો એકતરફી પ્રેમમાં સચ્ચાઈ નથી સ્વીકારી શકતા. એકતરફી પ્રેમમાં તમે એવું સ્વીકારી બેસો છો કે તમે જે વ્યક્તિને ચાહો છો એ ફક્ત તમારા માટે જ છે અને એના પર તમારા સિવાય કોઈનો હક નથી પરંતુ એ તમારી ભ્રમણા હોય છે. જે મિનિટે તમે તમારી ચાહીતી વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ સાથે વધારે વાતચીત કરતા જુઓ છો ત્યારે તમને ઈન્સલ્ટિંગ ફીલ થાય છે. અને એનું કારણ એ જ કે એ ક્ષણ તમને તમારા એકતરફી પ્રેમની ભ્રમણાંથી બહાર કાઢીને ફેંકી દે છે.
હવે જાણીએ કે આ એકતરફી પ્રેમ શુ બલા છે. પ્રેમની કોઈ શરતો નથી હોતી. જ્યારે તમે એકલા હોવ અથવા તમારી ફોર્મર રિલેશનશિપના બ્રેકઅપ પછીના સમયમાંથી પસાર થઈ રહ્યાં હોવ ત્યારે આ અવસ્થાનો પ્રારંભ થાય છે. દરેક વ્યક્તિના જીવનમાં એક એવી વ્યક્તિ આ સમય દરમ્યાન આવે જ છે જે તેને એક યા બીજી રીતે ટેકો કરે છે, મદદ કરે છે, પડખે ઊભી રહે છે અને આવા સંજોગોમાં શત પ્રતિશત એવી શક્યતાઓ રહે છે કે આવી વ્યક્તિ પ્રત્યે તમારા મનને જે તે વ્યક્તિ પ્રત્યેના પ્રણયનો પગરવ સંભળાય. ધીમે ધીમે તમારું મન તમને એ વ્યક્તિની નજીક જવા પ્રેરે છે અને કદાચ, તમે જાવ પણ છો પરંતુ એક હદ સુધી આગળ વધીને અટકી જાવ છો કારણ કે જ્યારે વાત એકરારની આવે ત્યારે આ પગરવ શાંત થઈ જાય છે. શબ્દો નથી મળતા પોતાની લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવા માટે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ બાબતનો ડર કે એ વ્યક્તિ સાથેનો દોસ્તી પૂરતો સંબંધ પણ ન તૂટી જાય.
આવા સંજોગોમાં ફક્ત બે તારણ કાઢી શકાય છે – એક, કાં તો મૌન રહીને એકતરફી લાગણીને મહેસૂસ કરતા રહેવું અને હકીકત અને ઝાંઝવા વચ્ચેના તફાવત સમજીને તટસ્થ વર્તન કરવું અને બે, કાં તો મનમાં રહેલી લાગણીઓનો એકરાર કરીને બંને પરિણામો માટે તૈયાર રહેવું.
પરિણામ 1 – એકરાર પછી એ વ્યક્તિનો જીવનભરનો સાથ પામવો.
પરિણામ 2 – એકરાર પછી એ વ્યક્તિનો જીવનભરનો સાથ ગુમાવવો.
પ્રેમસંબંધમાં હંમેશા દ્રિતરફી વળાંકો આવતા જ રહે છે કારણ કે આ એવી સફર છે જેની મંજિલની કોઈ ચોક્કસતા નથી. એ ગમે ત્યારે પ્રાપ્ત થઈ શકે છે અને ગમે ત્યારે રસ્તો ભૂલાવી શકે છે. એટલે જ તો બોલિવૂડના પ્રખ્યાત ગાયક શફકત અમાનત અલીએ પોતાના એક ગીતમાં કહ્યું છે,
જિસકો હૈ ખો જાના, વો મિલતા હી ક્યું હૈ
દિલકો હૈ મુરઝાના, તો ખિલતા હી ક્યું હૈ….
પણ શુ કરીએ દોસ્તો, આ સફર જ એવી છે કે જિંદગીમાં એક વાર તો પસાર થવું જ પડે છે….
ચાલો મળીશું… એક નવા પડાવ – પ્રેમસંબંધમાં હૂંફ સાથે….