અમદાવાદ : રાજકોટમાં ભારે ભકિતભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવ અંતર્ગત આજથી ત્રણદિવસના વિશ્વશાંતિ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. મહંત સ્વામીની હાજરીમાં આયજ્ઞમાં ૬૦૦ યજ્ઞ કુંડમાં હજારો યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વશાંતિના ઉદ્દેશથી આહુતિઓ આપવામાં આવી રહી છે. રવિવારે પણ બે લાખથી વધુ ભાવિક ભક્તોએ સ્વામિનારાયણનગરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવના છઠ્ઠા દિવસે ત્રણ દિવસના વિશ્વશાંતિ યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું છે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વામિનારાયણનગર ખાતેના વિવિધ પ્રદર્શન ખંડોની મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે પણ બે લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી. ત્યારે આગામી ત્રણ દિવસ ચાલનારા આ યજ્ઞમાં પણ લાખોની સંખ્યામાં ભક્તો સ્વામિનારાયણનગરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.